ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે કવચ કેન્દ્ર સાયબર સેલ પ્રકલ્પ અંતર્ગત “સાયબર ક્રાઈમ : જોખમ, જાગૃતિ અને જાળવણી” વિષય પર નિષ્ણાંત વ્યાખ્યાન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જે.કે. એમ. કોમર્સ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો. અજયકુમાર સી. ટીટાએ સાયબર ક્રાઈમના વિવિધ સ્વરૂપો, તેના જોખમો, તેમજ આજના ડિજિટલ યુગમાં સાવચેત રહેવાની આવશ્યક્તા અંગે વિસ્તૃત અને સરળ રીતે માર્ગદર્શન આપ્યું હતું. બહાઉદ્દીન કોલેજના આચાર્ય ડો. જે.આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ કવચ કેન્દ્ર સાઈબર સેલના અધ્યક્ષ ડો. જીજ્ઞેશ કાચા તથા સાઈબર સેલ સમિતિ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સાયબર સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી હતી. અંતે પ્રશ્નોત્તરી સત્ર દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપક ડો. પી. વી. બારસીયા, પ્રા. ભરત જોશી, ડો. જગદીશ પરમાર, ડો. કપીલ ઘોસીયા, ડો. ગૌરાંગ જાની, ડો. ભરત ભેડા, ડો. ભરત રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો.મેઘરાજાસિંહ જાડેજાએ કર્યું હતું.



