ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
રમતગમત, યુવા પ્રવૃત્તિઓ વિભાગ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ’ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ’ અને ’ખડક ચઢાણ બેઝિક કોર્સ’નો જૂનાગઢ ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ શિબિરમાં રાજ્યના વિવિધ 8 જિલ્લાના 30 ભાઈ-બહેનો અને બેઝિક કોર્સમાં 50 યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ અને ઉપસચિવ કિનલ ડી. ખરાડીએ શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, પ્રકૃતિના ખોળે આવી સાહસિક પ્રવૃત્તિઓ કરવાથી જીવનમાં સ્થિરતા, શાંતિ અને આનંદ મળે છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ “સંઘર્ષ વિના સફળતા નહીં” સૂત્ર સાથે યુવાનોને રાષ્ટ્ર ઉપયોગી લક્ષ્ય નિર્ધારિત કરવા પ્રેરણા આપી હતી. કોર્સ ઇન્ચાર્જ કે.પી. રાજપૂતે વન વિભાગ અને અન્ય વિભાગોના સંકલનથી શિબિરની સફળતા વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે ગૌરાંગ સાવલિયા (નાયબ સેક્શન અધિકારી) એ અગ્ર સચિવ અશ્વિની કુમારના માર્ગદર્શન હેઠળ વિભાગની સક્રિયતા વિશે વાત કરી હતી. તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, આ શિબિરથી તેમનો ડર દૂર થયો છે અને નેતૃત્વ તેમજ ટીમવર્ક જેવા ગુણો વિકસ્યા છે. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે તમામ શિબિરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિશાખા ચૌહાણ અને પાયલ રાજ્યગુરુએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ પ્રદીપ કુમાર દ્વારા કરવામાં આવી હતી.



