સાડા ત્રણ લાખ લગ્નના, ઘરમાંથી બે લાખના રોકડ-દાગીના ઉઠાવી ગયાની ફરિયાદ
સાળીએ ફોન કરી કહ્યું, ‘હિનાની રાહ જોતા નહી, અમે તો આવા જ કામ કરીએ છીએ’
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના ઉપલેટાના યુવકને લૂંટેરી દુલ્હન ભટકાઈ જતાં 5.50 લાખનો ખર્ચ માથે પડ્યો છે બુટ ચંપલની ફેરી કરતો યુવાન લગ્ન કરવાં એજન્ટ મારફત મહારાષ્ટ્રના ભિવંડી પહોંચ્યો હતો. જ્યાં 3.50 લાખમાં યુવતી સાથે નિકાહ કર્યા બાદ ઘરે આવ્યો અને લગ્નના 20માં દિવસે સસરા, સાળી સહિતના લોકો આવતા મહેમાનગતિ માટે મીઠાઈ લેવા ગયો અને પાછળથી ગેંગ ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ લઇ નાસી છૂટી હતી બનાવ અંગે ઉપલેટા પોલીસે ગુનો નોંધી લૂંટેરી દુલહન સહિતની ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ઉપલેટામાં રહેતાં શબીરહુશેન જુબેરભાઇ કાદરી ઉ.22એ મહારાષ્ટ્રના માલેગાંવના એજન્ટ ગુલઝાર, ફાતિમાબેન, ભીવંડીમાં રહેતી હિના મુસ્તફા ખાન, મુસ્તફા મુનશી ખાન, અલ્ફિયા અને જીન્નત સામે ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મારૂતી વાન ભાડેથી કરી બુટ ચંપલની ફેરી કરે છે. ગઈ તા.28/08ના તેના સંબંધી મામા વાહીદ કાદરીએ તેને અને તેમની માતા ફેમીદાબેનને મહારાષ્ટ્ર રાજયના અજંટા ગામે છોકરી બતાવવા માટે લઇ ગયા હતાં ત્યાં મોબાઇલમાં છોકરીઓના ફોટા બતાવેલ પરંતુ ત્યાં એક પણ પંસદ આવેલ નહી બાદમાં માલેગાંવ ગયા હતાં ત્યાં મામાના સંબંધી કાસમભાઇએ ત્યાંના એજન્ટ ગુલજારભાઈની મુલાકાત કરાવી હતી તેણે માલેગાંવમાં તમને છોકરી મળી જશે પરંતુ તેનો ભરોસો નહી તે ભાગી જશે એટલે તમો ભીવંડી આવો ત્યાં તમને સારી છોકરી મળી જશે, લગ્ન પછી ઘરેથી ભાગશે નહી તેની જવાબદારી મારી તેમ વાત કરી હતી જેથી બે દિવસ બાદ ગુલજારભાઈને ફોન કરીને હા કહેતા તેણે ભીવંડી બોલાવ્યા હતા ત્યાં બીજા એક એજન્ટ ફાતેમાબેન સાથે મુલાકાત કરાવી હતી તે ભીવંડીમાં ફાતેમાનગરમાં એક હિના મુસ્તુફા ખાન નામની છોકરી બતાવી હતી જે પંસદ આવતા હા પાડી હતો. જેથી ગુલજારભાઈએ 80 હજાર આપવાનું કહેતા ત્યાં જ તેના મોબાઇલ નંબર ગુગલ પે કરી દીધા હતાં. ત્યાર બાદ ભીવંડીમાં એક હોટલમાં બે દિવસ રોકાયા હતા અને ત્યાં આ હિના નામની છોકરી સાથે તા.09/09/2025 ફાતેમાબેનના ઘરે નિકાહ કર્યા હતા અને હિનાની બેન અલ્ફીયાને રોકડા 2.70 લાખ આપ્યા હતાં બાદમાં પત્ની હિના સાથે તમામ પરીવારજનો તા.15/09ના ઉપલેટા આવી ગયા હતા. બંને લગ્ન બાદથી પતિ પત્ની તરીકે રહેતા હતા ઘરનો બધો જ વ્યવહાર પત્ની હિનાને સોપી દીધો હતો થોડા દિવસો બાદ તા. 29/09ના બપોરે સસરા મુસ્તફાખાન તથા સાળી અલ્ફીયા અને પત્ની હિનાની સહેલી જીન્નત ઘરે આવ્યા હતા મહેમાન આવતા પોતે ગામમાં મિઠાઇ લેવા ગયો હતો અને મીઠાઈ લઇને પરત આવ્યો ત્યારે ફક્ત સસરા મુસ્તફાખાન જ ઘરે મળ્યા હતાં.
જેથી કહેલ કે, બીજા બધા કયા તો તેણે કહેલ કે, ગામમાં ખરીદી કરવા ગયા છે થોડીવાર લાગતા યુવાન અને તેના સસરા ગામમાં પત્નીને શોધવા જતા સસરા પણ જતા રહ્યા હતા અને ફોન કરતા ફોન પણ બધાના બંધ આવ્યા હતાં. સાંજના એજન્ટ ગુલજાર ભાઈને ફોન કરીને જાણ કરી હતી. જેથી તેણે કહેલ કે, તમારી પત્ની પાછી આવી જશે બીજા દિવસે સાળી અલ્ફીયાનો ફોન આવેલ કે, હવે હિનાની રાહ જોતા નહી, અમે તો આવા જ કામ કરીએ છીએ તેમ વાત કરેલ હતી. જેથી યુવાને ઉપરના રૂમમાં જોતા તેમની માતાનો સોનાનો હાર-1, સોનાની બંગડી-2, પત્નીને લગ્ન વખતે લઈ દીધેલ નાકની સોનાની નથ-1, પગના ચાંદીના સાંકળા -2 અને 50 હજાર રોકડા લઇ ગયેલ હતી. જેથી આરોપીઓએ કુલ 5.50 લાખની છેતરપીંડી આચર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.



