14.6 ડિગ્રી સાથે નલિયામાં આજે પણ માત્ર ગુલાબી ઠંડી! રાજકોટમાં ઠંડા પવન સાથે 13.8 ડિગ્રી : દિવમાં પણ 13.4 ડિગ્રી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અમૂક સ્થળોએ આજે 1થી 2 ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સવારે ઠંડા પવનો સાથે તાપમાન ઘટતા લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. ગઈકાલની જેમ આજે પણ અમરેલી-જુનાગઢમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી તો, હંમેશા ઠંડા રહેતા નલિયામાં 14.6 ડિગ્રી સાથે સામાન્ય ઠંડી રહેવા પામી હતી. આજે સવારે જુનાગઢમાં 12.5, તથા અમરેલીમાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જયારે વડોદરામાં 12.6 અમદાવાદમાં 15.5, ભાવનગરમાં 15.8, ભુજમાં 14.9, દમણમાં 14.4, તથા ડિસામાં 14.8 તેમજ દિવમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે તિવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. ઉપરાંત દ્વારકામાં સવારે 18, ગાંધીનગરમાં 15, કંડલામાં 17.5, ઓખામાં 21.2, પોરબંદરમાં 15 અને રાજકોટ શહેરમાં 13.8, સુરતમાં 18.2 અને વેરાવળ ખાતે 18.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. જયારે સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ સોરઠ જીલ્લા અને જુનાગઢ મહાનગરમાં ધીમે ધીમે ઠંડીનો માહોલ જામતો જાય છે. ઉતર ભારતમાં પડી રહેલા બરફની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે સવારે જુનાગઢ કૃષિ યુનિ.માં નોંધાયેલા તાપમાન મુજબ મેકસીમમ પારો ઘટીને 13.8 ડિગ્રીએ નોંધાતા એક ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે. મીનીમમ તાપમાન 12.5 ડીગ્રીએ નોંધાયો છે. ગીરનાર પર્વત ઉપર 8.5 ડીગ્રીએ ઠંડીનો પારો નીચે નોંધાયો હતો. વાતાવરણમાં ભેજ 82 ટકા અને પવનની ગતિ ગઈકાલ કરતા વધીને 2.2 પ્રતિકલાક કિલોમીટરની નોંધાઈ છે. તથા જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો 16 ડિગ્રીએ સ્થિર રહ્યો છે. તાપમાનમ બીજી તરફ તાપમાનનો પારો નીચે સરકવાને બદલે ઉપર ચડી રહ્યો છે જેને કારણે ઠંડી નું જોર ઘટી રહ્યું છે. તો વહેલી સવારે અને મોડી રાત્રે વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો બપોર દરમિયાન સૂર્યનારાયણ નો હળવો મિજાજ જોવા મળતા શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન નો પારો 16 ડીગ્રી એ સ્થિર રહ્યો છે જ્યારે આંશિક રીતે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જોકે મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયો છે.તેથી બપોરે શહેરીજનો ગરમી નો અનુભવ કરી રહ્યા છે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79 ટકા રહ્યો હતું જ્યારે પવન ગતિ 3.1 કિલોમીટર પ્રતિ કલાકની હતી.



