અમદાવાદ પોલીસનું ‘ઓપરેશન દોરી’
સાણંદથી મળેલી કડીના આધારે પોલીસે સંઘપ્રદેશમાં પાડ્યો દરોડો
- Advertisement -
43 હજાર રીલ અને મશીનરી કબજે કરી ફેક્ટરી સીલ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉત્તરાયણના પર્વ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જીવલેણ વેચાણને ડામવા અમદાવાદ ગ્રામ્ય પોલીસે ’ઓપરેશન દોરી’ હેઠળ મોટી સફળતા મેળવી છે. સાણંદમાંથી ઝડપાયેલી દોરીની કડી મેળવી પોલીસ છેક દાદરા અને નગર-હવેલી સુધી પહોંચી હતી, જ્યાં ચાઈનીઝ દોરી બનાવતી આખી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ફેક્ટરીમાંથી 43,000 નંગ ચાઈનીઝ દોરીની રીલ, આધુનિક મશીનરી અને રો-મટીરિયલ મળી કુલ ₹2.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરીને સીલ કરી દીધી છે.
આ ઓપરેશનની વિગત મુજબ, અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સૌપ્રથમ સાણંદના રણમલ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દરોડો પાડી ₹7.48 લાખની ચાઈનીઝ દોરી ઝડપી હતી. આ મામલે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગાવાણીની ધરપકડ કરવામાં આવી હતી.
તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જથ્થો દાદરા નગર-હવેલી ખાતેથી વિરેન પટેલે મોકલ્યો છે. આ ચોંકાવનારી વિગતના આધારે ઉુજઙ પ્રકાશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસે ચાર દિવસ સુધી સંઘપ્રદેશમાં રેકી કરી હતી અને સ્થાનિક પોલીસની મદદથી ’વંદના ઇન્ડસ્ટ્રીઝ’ નામની ફેક્ટરી પર ત્રાટકી હતી.
તપાસમાં ખૂલ્યું છે કે વિરેન પટેલ અને તેનો સાગરિત જાવેદ મિર્ઝા આ ફેક્ટરી ચલાવતા હતા, જ્યાંથી મોટા પાયે ચાઈનીઝ દોરી બનાવીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સપ્લાય કરવામાં આવતી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે માત્ર ફેક્ટરી જ નહીં, પરંતુ બાવળા, વટામણ અને આણંદ પંથકમાંથી પણ લાખોની કિંમતનો જથ્થો કબજે કર્યો છે. અત્યાર સુધીમાં આ મામલે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી 6 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ઉત્તરાયણ પૂર્વે ગેરકાયદે દોરીનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.



