બે વર્ષમાં જ બે લાખ નવી કારનો ઉમેરો : ટુ – વ્હીલર સહિત કુલ વાહનો 53 લાખ : 20 વર્ષમાં સાડા સાત ગણો અસામાન્ય વધારો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
- Advertisement -
દેશના આર્થિક પાટનગર મુંબઇમાં વિસ્તાર-વસતીની જેમ વાહનોની સંખ્યા પણ અસામાન્ય રીતે વધી જ રહી છે. મહાનગરમાં કારની સંખ્યા 15 લાખે પહોંચી છે જે મહાનગરની ગીચતા-પ્રદૂષણ વધારે છે. હાલત આવી થઇ છે કે, મુંબઇમાં હવે પ્રતિ કિલોમીટર 753 કાર છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં જ મુંબઇમાં નવી 50,000 કારનો ઉમેરો થયો છે. કારની કુલ સંખ્યા 15,06,690 થઇ છે. 2012ની સ્થિતિએ મુંબઇમાં કારની કુલ સંખ્યા 6.2 લાખ હતી જે 2025માં 13 લાખ થઇ હતી અને હવે 15 લાખને પાર થઇ છે. બે વર્ષમાં જ બે લાખ નવી છ કારનો ઉમેરો થયો છે. જે 15 ટકાનો વૃધ્ધિદર સુચવે છે, છેલ્લા 13 વર્ષમાં તેમાં 142 ટકાનો વધારો થયો છે. મુંબઇમાં અન્ય વાહનો સહિત કુલ વ્હીકલ ચકાસવામાં આવે તો આંકડો 53 લાખ થવા જાય છે. જે 2005માં માત્ર 7 લાખ હતો. 2015માં તે ત્રણ ગણો વધીને 23.3 લાખ થતો હતો. 2020માં 39 લાખ તથા હાલ 2025માં 53 લાખ થયો છે. આ 53 લાખમાંથી 31 લાખ ટુ-વ્હીલર છે. સમગ્ર મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ વાહનોની સંખ્યા 4.5 કરોડ છે તેમાંથી 78 લાખ કાર અને 3 કરોડ ટુ-વ્હીલર છે. ટ્રાફિક-માર્ગ સુરક્ષા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ધંધા-નોકરીએ જતા લોકોને ખાનગી વાહનોના બદલે જાહેર પરિવહનના ઉપયોગ તરફ વાળવાની જરુર છે. ખાનગી વાહનો પર ‘ગીચતા ટેક્સ’ જેવા કરબોજ ઝીંકવામાં આવે તો પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકે.



