પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહેશે
14 વિદ્યાશાખાના કુલ 43,792 દીક્ષાર્થીઓને પદવી અપાશે: કુલ 178 ગોલ્ડમેડલ અને 271 પ્રાઈઝ પણ વિતરણ
- Advertisement -
પદવીદાન માટે કુલપતિના અધ્યક્ષસ્થાને ભવનોના અધ્યક્ષોઓ, અધિકારીઓ તથા વિવિધ કમિટીના ક્ધવીનરોની બેઠક યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો ગરીમાપૂર્ણ પદવીદાન સમારોહ આગામી 25 ડિસેમ્બરે ગુરુવારના રોજ સવારે 11 કલાકે યોજાશે. આ સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાશે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા વિશેષ ઉપસ્થિતિ સાથે આશીર્વચન પાઠવશે.
આ પદવીદાન સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના કુલ 43,792 દીક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. સાથે જ કુલ 178 ગોલ્ડમેડલ અને 271 પ્રાઈઝ પણ વિતરણ કરવામાં આવશે.
સમારોહમાં કુલ 160 દિક્ષાર્થીઓને 178 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે, જેમાં દાતાઓ તરફથી 72 અને યુનિવર્સિટી તરફથી 106 ગોલ્ડમેડલનો સમાવેશ થાય છે. તેમજ દાતાઓ તરફથી 113 અને યુનિવર્સિટી તરફથી 158 મળીને કુલ 271 પ્રાઈઝ આપવામાં આવશે. ગોલ્ડમેડલ મેળવનારા 160 દીક્ષાર્થીઓમાં 49 વિદ્યાર્થીઓ અને 129 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.
વિશેષ સિદ્ધિ રૂપે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થિની અઘારા ધ્રૂતી લલીતભાઈને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 7 ગોલ્ડમેડલ અને 8 પ્રાઈઝ પ્રાપ્ત થશે. મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજ, અમરેલીની વિદ્યાર્થીની નીમાવત ગાયત્રી દીલીપભાઈને બી.એ.માં 3 ગોલ્ડમેડલ અને 08 પ્રાઈઝ, કે.એ. પાંઘી લો કોલેજ, રાજકોટની વિદ્યાર્થિની ગૌસ્વામી ખ્યાતી મહેશપરીને એલ.એલ.બી.માં 3 ગોલ્ડમેડલ અને 7 પ્રાઈઝ તથા સરકારી મેડિકલ કોલેજ, રાજકોટના વિદ્યાર્થી પંડયા પાર્થ જયેશભાઈને એમ.એસ. જનરલ સર્જરીમાં 7 ગોલ્ડમેડલ અને 1 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.
પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન માટે કુલપતિ ઉત્પલ જોશીના અધ્યક્ષસ્થાને ભવનોના અધ્યક્ષઓ, યુનિવર્સિટીના અધિકારીઓ તથા વિવિધ કમિટીના ક્ધવીનરોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમારોહને ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે યોજવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમારોહની સફળતા માટે જુદી જુદી કમિટીઓ રચી કાર્યરત રાખવામાં આવી છે.



