ટ્રાફિકથી ધમધમતા યાજ્ઞિક રોડ પર રવિવારીના કારણે ભીડ ઉમટ્તા મોટા અકસ્માતનો ભય
રવિવાર એટલે આરામનો દિવસ, પરંતુ રાજકોટના પોશ વિસ્તાર અને હૃદયસ્થાન સમાન યાજ્ઞિક રોડ પર રવિવાર ટ્રાફિકજામ અને અવ્યવસ્થાનો દિવસ બની જાય છે. ખાસ કરીને બપોર બાદથી જ યાજ્ઞિક રોડ પર વાહનોની લાંબી લાઇનો જોવા મળે છે, જેના કારણે કાર, બાઈક અને રિક્ષાચાલકો ભારે મુશ્કેલીમાં મુકાય છે અને સૌથી મહત્વનું ક્યારેક ઇમરજન્સી એમ્બ્યુલન્સના વાહનો પણ ટ્રાફિકમાં ફસાઇ જાય છે. શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને નજીકના બજારોને કારણે અહીં રવિવારે લોકોની ભારે ભીડ ઉમટી પડે છે, પરંતુ ટ્રાફિક નિયંત્રણની પૂરતી વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ વધુ વણસે છે. ખાસ કરીને સાંજના સમયે એક જ રસ્તા પર વાહનો, પગપાળા ચાલતા લોકો અને રસ્તા પર પાર્ક થયેલા વાહનોને કારણે ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થાય છે. અનેક વાહનચાલકોને થોડા કિલોમીટરના અંતર માટે પણ 20થી 30 મિનિટ સુધી રાહ જોવી પડી. ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં ભીડને સંભાળવી મુશ્કેલ બની રહી હતી. સ્થાનિક નાગરિકો અને વેપારીઓનું કહેવું છે કે રવિવાર જેવા વ્યસ્ત દિવસોમાં વન-વે વ્યવસ્થા, ગેરકાયદે પાર્કિંગ પર કડક કાર્યવાહી અને વધારાની ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવે તો રાહત મળી શકે. યાજ્ઞિક રોડ પર રવિવારનો આ દૃશ્ય હવે સામાન્ય બનતા જાય છે, જે શહેરની ટ્રાફિક વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઉભા કરે છે.



