બંને પક્ષો દ્વારા મહત્વાકાંક્ષી અને પરસ્પર ફાયદાકારક તરીકે વર્ણવવામાં આવેલ આ કરાર બજારની પહોંચ વધારવા, રોકાણના પ્રવાહને પ્રોત્સાહન આપવા, વ્યૂહાત્મક સહકારને મજબૂત કરવા અને તમામ ક્ષેત્રોમાં વ્યવસાયો, ખેડૂતો, MSMEs, નવીનકર્તાઓ, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે નવી તકોનું સર્જન કરવાની અપેક્ષા છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક ઐતિહાસિક વળાંક આવ્યો છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) એટલે કે મુક્ત વ્યાપાર સમજૂતી પરની વાતચીત સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોમવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘આ સમજૂતી બાદ ન્યૂઝીલેન્ડ તેના 100 ટકા ટેરિફ લાઇન પર ટેક્સ ખતમ કરી દેશે, જેનાથી ભારતીય નિકાસકારોને ન્યૂઝીલેન્ડના બજારોમાં શૂન્ય ડ્યુટી સાથે સીધો પ્રવેશ મળશે.’
- Advertisement -
ભારતની તેજ રફ્તાર અર્થવ્યવસ્થાનો ન્યૂઝીલેન્ડને મળશે લાભ
પીએમ લક્સને વડાપ્રધાન મોદી સાથે વાતચીત કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘આ સમજૂતી ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો લાભ કીવી વ્યવસાયોને અપાવશે અને તેનાથી 1.4 અબજ ભારતીય ગ્રાહકો સુધી તેમની પહોંચ વધશે. અંદાજ છે કે આગામી બે દાયકામાં ન્યૂઝીલેન્ડની ભારત ખાતેની નિકાસ વાર્ષિક 1.1 બિલિયન ડોલરથી વધીને 1.3 બિલિયન ડોલર થઈ શકે છે.
ન્યૂઝીલેન્ડ માટે 70 ટકા ટેરિફ લાઈન પર છૂટછાટની ઓફર
- Advertisement -
આ મહત્ત્વપૂર્ણ સમજૂતીની સત્તાવાર શરૂઆત 16 માર્ચ, 2025ના રોજ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વ્યાપાર મંત્રી ટોડ મેક્લે વચ્ચેની બેઠકથી થઈ હતી. માત્ર પાંચ રાઉન્ડની ઔપચારિક ચર્ચા અને અનેક વર્ચ્યુઅલ બેઠકો બાદ તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ સમજૂતી હેઠળ ભારતે પણ ઉદારતા દાખવી ન્યૂઝીલેન્ડ માટે 70 ટકા લાઇન પર ટેરિફમાં છૂટછાટની ઓફર કરી છે.
17.8 ટકા ઊંચા આયાત ટેક્સમાંથી મળશે મુક્તિ
હાલમાં ભારતનો ન્યૂઝીલેન્ડમાં સરેરાશ આયાત ટેક્સ 2.3 ટકા છે, જ્યારે ભારતનો ટેક્સ 17.8 ટકા જેટલો ઊંચો છે, જે હવે આ સંધિ બાદ ઘટશે. નાણાકીય વર્ષ 2024-25માં બંને દેશો વચ્ચે 1.3 બિલિયન ડોલરનો વેપાર થયો હતો, જેમાં ભારતે 711.1 મિલિયન ડોલરની નિકાસ કરી હતી.
ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની મજબૂત પકડ
વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો, ભારત મુખ્યત્વે ન્યૂઝીલેન્ડને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF), ટેક્સટાઈલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરીની નિકાસ કરે છે. ખાસ કરીને એટીએફ અને કાપડ ઉદ્યોગનો ફાળો આ નિકાસમાં મોટો રહ્યો છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડથી ભારતમાં મોટાભાગે કાચો માલ અને કૃષિ ઉત્પાદનોની આયાત થાય છે, જેમાં લાકડાની વસ્તુઓ, લાકડાનો માવો(પલ્પ), સ્ટીલ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ સ્ક્રેપ મુખ્ય છે. આ મુક્ત વ્યાપાર સમજૂતી માત્ર આર્થિક લાભ જ નહીં, પરંતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને પણ મજબૂત બનાવશે. આ સમજૂતી બંને દેશોની મજબૂત મિત્રતાનું પ્રતીક છે અને તેનાથી આગામી વર્ષોમાં દ્વિપક્ષીય વેપારને નવી ઊંચાઈ મળશે.




