મૂળીના કુંતલપુર અને ધ્રાંગધ્રાના રામપરા ગામના તળાવમાં ખુલ્લેઆમ માટીનું ખનન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓ દ્વારા કિંમતી ખનિજ સંપતિને ચોરી કરી રહ્યા છે જ્યારે જિલ્લામાં પથ્થર, રેતી, કોલસો, સફેદ માટી સહિતના ખનિજનું ધમધોકાર ખનન થઈ રહ્યું છે જ્યારે તંત્રના અધિકારીઓ આ કરોડોની ખનિજ ચોરી થવા છતાં મૂકપ્રેક્ષક બનીને બેઠા હોવાનું સામે આવે છે જેના લીધે હવે ખનીજ માફીયાઓ તંત્રને પણ ગાંઠતા નથી તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સફેદ માટીનું ખનન યથાવત જોવા મળે છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામે આવેલા “દેરાળુ” તળાવમાં દરરોજ સંધ્યા સમયે શરૂ થતું સફેદ માટીનું ખનન જ્યારે મૂળી તાલુકાના કુંતલપુર ગામથી કળમાદ ગામના માર્ગ પર આવતા તળાવમાં પણ સફેદ માટીનું ખનન શરૂ થયું છે આ બંન્ને સ્થળો પર દરરોજ સૂર્યાસ્ત બાદ સફેદ માટીના કાળા કારોબારનો ખેલ શરૂ થાય છે જેમાં રાત્રીના સમયે અનેક ડમ્ફર થકી સફેદ માટીનું મોરબી સુધી પહોંચાડાય છે આ તમામ ઓવરલોડ ખનિજ ભરેલા વાહનો લીયા અને સરા ગામ પરથી પસાર થાય છે. રાત્રીના સમયે ગ્રામ્ય વિસ્તારના રોડ પર માતેલા સાંઢની માફક દોડતા ખનિજ ભરેલા વાહનોના લીધે રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ ધ્રાંગધ્રા રામપરા ગામના તળાવમાંથી સફેદ માટીના ખનન પર ગામના જ બે શખ્સ ડમ્ફર દીઠ આશરે 3200 રૂપિયા લઈ સરકારી સંપદાને નુકશાન કરવામાં ભાગીદાર છે તેવામાં મૂળીના કુંતલપુર અને ધ્રાંગધ્રાના રામપરા ગામના તળાવમાંથી ગેરકાયદેસર સફેદ માટીના ખનનમાં દરરોજ આશરે 20થી 30 જેટલા ડમ્ફર ભરીને માટી મોરબી સુધી પહોંચાડી ગુજરાત સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા છે તેવામાં આ પ્રકારે ચાલતા ગેરકાયદેસર ખનન સામે સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક ખનિજ ચોટી બંધ કરવા માંગ કરી છે.
રામપરા ગામે સફેદ માટીના ખનન કરવા માટે અગાઉ માથાકુટ થઈ હોવાની પણ ચર્ચા
ધ્રાંગધ્રાના રામપરા ગામે સફેદ માટીના ખનન કરવા મામલે માથાકુટ થઈ હતી જેથી આ આખોય માથાકૂટનો મામલો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો પરંતુ ફરીથી રામપરા ગામના જ બે શખ્સો દ્વારા તળાવમાંથી ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરાવતા હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
તંત્રના કર્મચારીને દરરોજ દસ હજાર રૂપિયાનો હપ્તો
રામપરા ગામે તળાવમાંથી સફેદ માટીનું ખનિજ ચોરી કરતા ખનિજ માફીયાઓ પાસે ગામનો જ જવાબદાર શખ્સ એક ડમ્ફર દીઠ 3200 રૂપિયા ઉઘરાવે છે જેના સામે ખાણ ખનિજ, મામલતદાર સહિત તંત્રનો દરોડો નહીં થાય તેવી જવાબદારી પણ પોતે સ્વીકારે છે. જ્યારે તંત્રના એક કર્મચારીને આ શખ્સ દરરોજના દસ હજાર રૂપિયા હપ્તો આપી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.



