ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
વંથલી શહેરમાં કાર્યરત સામૂહિક આરોગ્ય કેન્દ્રને દિલાવરનગર ખાતે નવનિર્મિત ભવનમાં ખસેડવાની હિલચાલ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વંથલી શહેરના તમામ સમાજના લોકો, અગ્રણીઓ અને નગરપાલિકાના હોદ્દેદારોએ એકત્ર થઈ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી હોસ્પિટલ શહેરમાં જ રાખવા ઉગ્ર રજૂઆત કરી છે.
આગેવાનોની એવી માંગણી છે કે, હાલની હોસ્પિટલ શહેરની મધ્યમાં અને બસ સ્ટેન્ડની નજીક હોવાથી તાલુકાના 46 ગામોના દર્દીઓ માટે અનુકૂળ છે.
નવું કેન્દ્ર શહેરથી 2-3 કિમી દૂર હોવાથી ગરીબ દર્દીઓને રિક્ષા ભાડા પેટે રૂ. 100 જેટલો વધારાનો ખર્ચ થશે. નવા સ્થળ સુધી જવા માટે પ્રોપર સર્વિસ રોડ ન હોવાથી હાઈવે પર અકસ્માત થવાની ભીતિ છે. નિર્જન વિસ્તાર અને આસપાસ માનવ વસાહત ન હોવાથી મહિલાઓ અને દીકરીઓ માટે ત્યાં જવું જોખમી બની શકે છે. ચોમાસા દરમિયાન તે વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હોવાથી દર્દીઓની અવરજવર મુશ્કેલ બનશે. નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડિયા, વલીભાઈ દલ, યાસીનભાઈ અગવાન સહિતના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ સ્થળાંતર તાત્કાલિક અટકાવવામાં નહીં આવે, તો વંથલી શહેર સજ્જડ બંધ રાખી ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ રજૂઆત સમયે વંથલીના વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.



