મુંબઈના 17 વર્ષીય વિકેટકીપર અભિજ્ઞાન કુંડુએ 16 ડિસેમ્બરે મલેશિયા સામે અંડર-19 એશિયા કપ દરમિયાન 125 બોલમાં 209 રન બનાવ્યા હતા.
અંડર-19 એશિયા કપ 2025માં વૈભવ સૂર્યવંશી બાદ વધુ એક ભારતીય યુવા ખેલાડી ચર્ચામાં આવ્યો છે. ભારતના અંડર-19 વિકેટકીપર-બેટ્સમેન અભિજ્ઞાન કુંડૂએ મંગળવારે દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપ મેચમાં મલેશિયા સામે 125 બોલમાં 209 રન બનાવીને ઈતિહાસ રચી દીધો છે. કુંડૂએ 121 બોલમાં બેવડી સદી ફટકારી છે. પોતાની બેવડી સદી સાથે કુંડુએ અંડર-19 વન-ડે ક્રિકેટમાં કોઈ ભારતીય દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ સ્કોર મામલે અંબાતી રાયડુ (177)ને પાછળ છોડી દીધો છે. આ દરમિયાન કુંડૂએ નવ છગ્ગા અને 17 ચોગ્ગા ફટકાર્યા છે.
- Advertisement -
અભિજ્ઞાન કુંડૂએ મંગળવારે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. તેણે શાનદાર બેવડી સદી ફટકારીને ભારતીય અંડર-19 ટીમને ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2025ના ગ્રુપ A મેચમાં દુબઈના ધ સેવન્સ સ્ટેડિયમમાં મલેશિયા અંડર-19 સામે 408/7ના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું. મલેશિયા અંડર-19એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ઈનિંગ્સની મુખ્ય વાત અભિજ્ઞાન કુંડૂની શાનદાર બેવડી સદી હતી, જે યુવા વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન અને એકંદરે બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. સૌથી મોટી વાત એ રહી કે, અભિજ્ઞાન આ ઈનિંગ્સમાં અણનમ રહ્યો સંપૂર્ણ 50 ઓવર પછી જ મેદાનમાંથી બહાર આવ્યો.
ભારતે 408 રનનો મોટો સ્કોર બનાવ્યો
પ્રથમ બેટિંગ કરતા ભારતના ટોપ ઓર્ડરે મજબૂત પાયો નાખ્યો અને શરૂઆતની વિકેટોના નુકસાનમાંથી બહાર આવીને 50 ઓવરમાં 408/7 વિશાળ સ્કોર બનાવ્યો. ભારતના કેપ્ટન આયુષ મ્હાત્રે (7 બોલમાં 14) અને વિહાન મલ્હોત્રા (14 બોલમાં 6)એ જલ્દી વિકેટ ગુમાવી દીધી. જોકે, વૈભવ સૂર્યવંશી (26 બોલમાં 50) અને વેદાંત ત્રિવેદી (106 બોલમાં 90) શરૂઆતની નિષ્ફળતાઓ બાદ ભારતને મેચમાં વાપસી કરાવી. સૂર્યવંશી 11મી ઓવરમાં આઉટ થઈ ગયો, જેનાથી ભારતનો સ્કોર 87-3 થઈ ગયો. સૂર્યવંશીના આઉટ થયા પછી ક્રીઝ પર આવેલા કુંડૂએ શરૂઆતથી જ ચોગ્ગા ફટકારવાનું શરૂ કરી દીધું.
- Advertisement -
121 બોલમાં ઐતિહાસિક બેવડી સદી
અભિજ્ઞાને ત્રિવેદી સાથે 181 બોલમાં 209 રનની પાર્ટનરશિપ કરી અને પછી કનિષ્ક ચૌહાણ સાથે માત્ર 36 બોલમાં 87 રન બનાવ્યા. અભિજ્ઞાને 17 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. કુંડૂએ માત્ર 44 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, બીજી તરફ આ ડાબા હાથના બેટ્સમેને માત્ર 80 બોલમાં પોતાની સદી પૂરી કરી, જેનાથી ઈનિંગ્સના અંતે ધમાકેદાર બેટિંગનો પાયો નાખ્યો. તેણે ઈનિંગ્સની અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને માત્ર 121 બોલમાં પોતાની ઐતિહાસિક બેવડી સદી પૂરી કરી. તેણે છગ્ગો ફટકારીને પોતાની બેવડી સદી પૂરી કરી.
અભિજ્ઞાન કુંડૂએ અણનમ 209 રન ફટકાર્યા
કુંડુની અણનમ 209 રનથી ઈનિંગ્સે ભારતને 409 રનનો લક્ષ્યાંક આપવામાં તો મદદ કરી જ પરંતુ આ સાથે જ તેણે અંડર-19 વનડેમાં કોઈ ભારતીય દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ સ્કોરનો અંબાતી રાયડુનો રેકોર્ડ (177*) પણ તોડી નાખ્યો. યુવા વન-ડેમાં બેવડી સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી દક્ષિણ આફ્રિકાના અંડર-19ના જોરિચ વાન શાલ્કવિક છે, જેણે 2025માં ઝિમ્બાબ્વે અંડર-19 સામે 153 બોલમાં 212 રન બનાવ્યા હતા. ભારતે મલેશિયા સામેની મેચ 315 રનથી જીતી લીધી હતી. અભિજ્ઞાન કુંડુ એક પ્રતિભાશાળી વિકેટકીપર-બેટ્સમેન છે. પાકિસ્તાન સામે આ ડાબા હાથના બેટ્સમેને 22 રન બનાવ્યા અને બે કેચ ઝડપી હતી. તેનો જન્મ 30 એપ્રિલ, 2008 ના રોજ થયો હતો અને તે રાજ્ય સ્તરે મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે.




