સામાન્ય આરોપી સામે કડકાઈ, ગંભીર ગુનામાં ઢીલાશ-બગવદર કેસ ચર્ચામાં
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર નજીકના બગવદર ગામે રાજકોટના રમેશ ચના ઓડેદરાના દીકરાની સગાઈના પ્રસંગ દરમિયાન હથિયાર બતાવી ફાયરિંગની કોશિશ કરવાના ગંભીર બનાવમાં બગવદર પોલીસે મુખ્ય આરોપી સહિત છ ઈસમોને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ મુખ્ય આરોપીનું રી-ક્ધસ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.
પોરબંદરના એરપોર્ટ સામે રહેતા દિવ્યેશ ઉર્ફે દીવુ નાથાભાઈ ઓડેદરા સગાઈ પ્રસંગે બગવદર ગયો હતો, જ્યાં વનરાજ પરબત કેશવાલા પોતાના સાગરીતો સાથે પહોંચ્યો હતો. વનરાજ અને તેના સાગરીતોએ દિવ્યેશ પર હુમલો કરી માર માર્યો હતો. ત્યારબાદ વનરાજે પોતાના લાયસન્સ ધરાવતાં પિસ્તોલથી દિવ્યેશને હત્યા કરવાની નિયતથી ફાયરિંગની કોશિશ કરી હતી. જોકે, ત્યાં હાજર લોકોએ સમયસર હસ્તક્ષેપ કરી ફાયરિંગ અટકાવ્યું હતું. આ બનાવમાં તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે વર્ષ 2021માં થયેલા ડબલ મર્ડર કેસમાં વનરાજના ભાઈ સહિત બે લોકોનું મોત થયું હતું, જેમાં વનરાજ ફરિયાદી હતો અને દિવ્યેશના મિત્ર રામ ચૌહાણ આરોપી તરીકે નામદાર હતો. તાજેતરમાં કોર્ટ પરિસરમાં દિવ્યેશ અને રામ ચૌહાણ સાથે બેઠો હોવાની બાબતે ગેરસમજ ઊભી થતાં આ હુમલો થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. બગવદર પોલીસે વનરાજ પરબત કેશવાલાની ધરપકડ કરી લાયસન્સની શરતોના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને ઘટનાસ્થળે રી-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું છે. વધુ પૂછપરછ બાદ અજાણ્યા પાંચ શખ્સોની ઓળખ પરેડ યોજી આરોપી રાજેશ કેશુભાઈ બોખીરીયા, પાર્થ ગોપાલભાઈ પોસ્તરિયા, રાજુ અરભમભાઈ વાઢેર, પ્રકાશ માધવજી જુંગી અને રણજીત પરબત કેશવાલાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ બની છે. હાલ તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.
હથિયાર લહેરાવનાર સામે નરમાઈ કેમ? બગવદર ઘટનાએ ચર્ચાઓ જગાવી
સામાન્ય ગુનેગારોનો વરઘોડો કાઢતી પોરબંદર પોલીસ બગવદરની હત્યાની કોશિશ જેવી ગંભીર ઘટનામાં કેમ ઢીલાશ દાખવી રહી છે તે બાબતે અનેક સવાલો ઊભા થયા છે. લોકોમાં એવી ચર્ચા છે કે નાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનું જ રી-ક્ધસ્ટ્રક્શન અને જાહેર કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે હથિયાર સાથે ફાયરિંગની કોશિશ જેવા ગંભીર ગુનામાં કાર્યવાહી દબાયેલી દેખાય છે. નાના-મોટા ગુનાઓમાં તરત મીડિયાને જાણ કરવામાં આવે છે, પરંતુ બગવદરની ઘટનામાં જાણે ઉચ્ચ અધિકારીઓ મીડિયાને જાણ કરવાનું ભૂલી ગયા હોય તેમ ચિત્ર ઉભું થયું છે. આથી પોલીસની કામગીરી પર પ્રશ્ર્નચિહ્ન લાગી રહ્યા છે.



