ભારતીય રૂપિયો મંગળવારે યુએસ ડૉલર સામે નવા નીચા સ્તરે પહોંચ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય સંપત્તિઓ વેચી રહ્યા છે. યુએસ સાથેના વેપાર સોદા અંગેની અનિશ્ચિતતા પણ ચલણ પર અસર કરી રહી છે. તાજેતરમાં રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે ટ્રેડ બ્રેકથ્રુ વિના વલણ ચાલુ રહેશે.
ભારતીય રૂપિયામાં મંગળવારે (16મી ડિસેમ્બર) નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતી કારોબારમાં રૂપિયો અમેરિકન ડૉલર સામે પહેલીવાર 91.03 રૂપિયાના નીચલા સ્તરે પહોંચ્યો હતો, જે રૂપિયાનું નવું રેકોર્ડ સ્તર છે. રૂપિયાના આ મોટા ઘટાડાની અસર ભારતીય શેરબજાર પર પણ સ્પષ્ટપણે જોવા મળી હતી.
- Advertisement -
રૂપિયાના ઘટાડાના મુખ્ય કારણો
વોશિંગ્ટન તરફથી આર્થિક ટેરિફ નું દબાણ વધ્યું છે, જે ભારતના વેપારની સંભાવનાઓ અને મૂડી પ્રવાહને નકારાત્મક રીતે અસર કરી રહ્યું છે. બજારમાં અમેરિકન ડૉલરની માંગમાં વધારો થવાને કારણે ભારતીય રૂપિયા પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારોમાંથી સતત રોકાણ પાછું ખેંચી લેવાના કારણે પણ રૂપિયા પર ભારે અસર પડી રહી છે.
સતત બીજા દિવસે ઘટાડો
- Advertisement -
રૂપિયો સતત બીજા દિવસે નબળો પડ્યો છે. સોમવારે (15મી ડિસેમ્બર) રૂપિયો ડૉલર સામે 90.74 રૂપિયાના નીચલા સ્તરે બંધ થયો હતો, જે અગાઉના બંધ કરતાં 25 પૈસાનો ઘટાડો દર્શાવતો હતો. મોટી આર્થિક અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય વેપારના મુદ્દાઓ વચ્ચે રૂપિયાની આ નબળાઈ ચિંતાનો વિષય છે.
એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન
રૂપિયો આ વર્ષે એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ રહ્યું છે. ભારે અમેરિકન ટેરિફના કારણે ભારતીય નિકાસ પર અસર થતાં આ વર્ષે રૂપિયો ડૉલર સામે 6% જેટલો ઘટ્યો છે. ભારત એકમાત્ર મુખ્ય અર્થતંત્ર છે જેનો અમેરિકા સાથે કોઈ વેપાર કરાર નથી.
શેરબજાર પર અસર
શરૂઆતી ટ્રેડિંગમાં ભારતના બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ, BSE સેન્સેક્સ અને નિફ્ટી 50, આશરે 0.4% ઘટ્યા હતા. ડિસેમ્બરમાં ગ્લોબલ ફંડ્સે સ્થાનિક ઇક્વિટીમાંથી 1.6 બિલિયન ડૉલર પાછા ખેંચી લીધા છે, જે અગાઉના બે મહિનાના રોકાણની વિપરીત અસર દર્શાવે છે. આ વર્ષે વિદેશી રોકાણકારોએ 18 બિલિયન ડૉલકથી વધુ મૂલ્યના લોકલ શેર વેચ્યા છે, જે અત્યાર સુધીના સૌથી મોટા વાર્ષિક આઉટફ્લો તરફ આગળ વધી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે,ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંકા ગાળાની અસ્થિરતા ઘટાડવા માટે હસ્તક્ષેપ દ્વારા રૂપિયાને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. આગામી સમયમાં ટેરિફ વાટાઘાટો અને CPI જેવા આર્થિક સૂચકાંકો રૂપિયાની ગતિવિધિઓને પ્રભાવિત કરશે.




