હત્યા બાદ ફરાર થયેલા આરોપી વિનોદ ધોળીયાને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામમાં આજે વહેલી સવારે એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. ઘટનાની માહિતી અનુસાર, ડારી ગામે રિસામણે પિયર આવેલ હિનાબેન ચાંડપા નામની મહિલાની તેના પતિ વિનોદ ધોળીયાએ છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી. મૃતક મહિલાએ અગાઉ પતિ વિરુદ્ધ કલમ 498 હેઠળ ગુનો દાખલ કરાવ્યો હોવાથી, આ અંગત અદાવતને કારણે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. હિનાબેન ચાંડપા તાતીવેલા ગામે પતિ વિનોદ ધોળીયા સાથે રહેતા હતા, પરંતુ કોઈક કારણોસર તેઓ રિસાઈને પોતાના પિયર ડારી ગામે આવ્યા હતા. આજે વહેલી સવારે તેમનો પતિ વિનોદ ધોળીયા ડારી ગામે પહોંચ્યો હતો અને આવેશમાં આવીને છરીના આડેધડ ઘા ઝીંકી હિનાબેનની હત્યા કરી નાખી હતી. મૃતક હિનાબેન બે સંતાનોની માતા હતા. આ હત્યાકાંડ દરમિયાન, જ્યારે મૃતક હિનાબેનના માતા તેમને બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે આરોપી વિનોદ ધોળીયાએ તેમના પર પણ હુમલો કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક મહિલા હિનાબેને તેમના પતિ વિનોદ ધોળીયા વિરુદ્ધ કલમ 498 (પતિ કે સાસરિયાઓ દ્વારા ત્રાસ) હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને કારણે ઉભી થયેલી અદાવત જ હત્યાનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી વિનોદ ધોળીયા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવના પગલે સમગ્ર ડારી ગામમાં ચકચારનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



