નવલખી રોડ પર 100થી વધુ લોકોએ સફાઈ કરી: કમિશનરનો 100 ડસ્ટબિન લગાવ્યાનો દાવો, પણ વાડી વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12
- Advertisement -
મોરબી મહાનગરપાલિકા દ્વારા “શ્રમદાન ફોર મોરબી” અંતર્ગત નવલખી રોડ પર રેલવે ફાટકથી હાઇવે સુધીના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ શ્રમદાનમાં યંગ ઇન્ડિયા ગ્રુપ, સ્થાનિક નાગરિકો અને બાળકો સહિત 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
મનપા કમિશનર સ્વપ્નિલ ખરેએ દાવો કર્યો હતો કે, આ અભિયાનમાં અંદાજિત 30 ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, હવે આ કાર્યક્રમ દર બે અઠવાડિયે યોજવામાં આવશે અને મોરબી સ્વચ્છ અને સુઘડ બનશે.
જોકે, કમિશનરે 100 ડસ્ટબિન્સ ખરીદીને વિવિધ વિસ્તારોમાં લગાવ્યા હોવાનો દાવો કર્યો હોવા છતાં, હકીકતમાં પરિસ્થિતિ અલગ છે. 100 જેટલા વાડી વિસ્તારો, સોઓરડી, લાયન્સનગર, વીસીપરા જેવા અનેક વિસ્તારોમાં ડસ્ટબિનની સુવિધા નથી. વળી, આઈકોનીક ગણાતા વાવડી રોડ ઉપર ડસ્ટબિન કચરાથી છલકાઈ રહી હોય છતાં તે ઉપાડવામાં આવતી નથી.
મોરબીમાં સફાઈ કર્મચારીઓની ઉદાસીનતાને કારણે અનેક વિસ્તારોમાં સફાઈના અભાવે સ્થિતિ ગંભીર બની રહી છે.



