તાલીમ વર્ગમાં જોડાવવા માટે ઉમેદવારોએ 20 ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (સીસીડીસી) દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર વર્ગ-3 ની 659 જગ્યાઓ માટે લેવામાં આવનારી મેઈન પરીક્ષાના પેપર-1 (જનરલ સ્ટડીઝ) માટે 23 ડિસેમ્બર, 2025 થી ખાસ કોચિંગ વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે.
સીસીડીસી દ્વારા વિવિધ સરકારી નોકરીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે છેલ્લા ઘણા સમયથી સફળ તાલીમ આપવામાં આવી રહી છે, જેના કારણે સૌરાષ્ટ્રના અનેક વિદ્યાર્થીઓએ સરકારી નોકરી પ્રાપ્ત કરી છે. તાલીમવર્ગોમાં રોજ નિષ્ણાતો દ્વારા સિલેક્ટેડ ટોપિક્સ પર માર્ગદર્શન, સ્વ-ચકાસણી માટે એમ.સી.ક્યુ. ટેસ્ટ, ઈનહાઉસ લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. હાલમાં ગુજરાત પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટરની 659 જગ્યાઓ માટેની ભરતીને ધ્યાનમાં રાખી સીસીડીસી દ્વારા જનરલ સ્ટડીઝ પેપર-1નું વિશેષ તાલીમવર્ગ શરૂ કરવામાં આવી રહ્યો છે. અભ્યાસક્રમમાં ભારતનું બંધારણ, જાહેર વહીવટ, ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, સાયન્સ-ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂટ અને રીઝનિંગ જેવા વિષયોની સઘન તૈયારી કરાવવામાં આવશે.
આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ 20 ડિસેમ્બર, 2025 સુધીમાં ગ્રાઉન્ડ ફ્લોર, સીસીડીસી બિલ્ડિંગ (સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉમેદવારોએ રજિસ્ટ્રેશન સમયે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર માટે ભરેલ ઓનલાઈન ફોર્મની નકલ, આઈડી પ્રૂફ અને ગ્રેજ્યુએશનની માર્કશીટ સાથે લાવવાની રહેશે. રજિસ્ટ્રેશન ફી કેમ્પસની બેંકમાં વર્કીંગ દિવસોમાં જ જમા કરાવી શકાશે.



