નવાગામ આવાસ યોજના પાછળ રોડ બનવાથી પરિવહન સરળ બનશે; ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિધાનસભા-68ના વોર્ડ-5માં મહત્ત્વપૂર્ણ માર્ગ સુવિધાના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવાગામ આવાસ યોજના પાછળ, માનસિક નિરાધાર સંસ્થા પાસે રૂા. 83 લાખના ખર્ચે ડામર રોડ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઉદય કાનગડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, મેયર નયનાબેન પેઢડીયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વિસ્તારની બાળાઓ દ્વારા આગેવાનોને કુમકુમ તિલક કરીને ભાવભેર સ્વાગત કરાયું હતું.
ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારની જનહિતકારી યોજનાઓથી જનજીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, નવાગામ વિસ્તારમાં આ ડામર રોડના કામથી પરિવહન વ્યવસ્થા સરળ બનશે, લોકોને સુવિધાસભર અને સ્વચ્છ રસ્તાઓ મળી રહેશે અને વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો થશે.
ખાતમુહૂર્ત બાદ ધારાસભ્ય સહિતના આગેવાનોએ માનસિક નિરાધાર વ્યક્તિઓ માટેની સંસ્થાની મુલાકાત લીધી હતી અને સેવાભાવી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.



