લાખો મુસાફરોનાં રઝળપાટ બાદ આખરે સરકાર જાગી
હાલમાં ઈન્ડિગો એક દિવસમાં દેશભરમાં 2200 ફ્લાઈટ ચલાવે છે, હવે તેમાં 110નો ઘટાડો કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો છેલ્લા કેટલાક દિવસથી સંકટમાં ફસાઈ છે. જેના કારણે દરરોજ સેંકડો ફ્લાઈટ રદ કરવામાં આવી રહી છે. ભારતના તમામ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં મુસાફરોએ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે આખરે ઈન્ડિગો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. ઉૠઈઅએ ઈન્ડિગો એરલાઈનની પાંચ ટકા ફ્લાઈટ્સ પર કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. ઈન્ડિગો હાલ દેશભરમાં એક દિવસમાં 2200 ફ્લાઈટ્સ ચલાવે છે. હવે તેમાં 110નો ઘટાડો કરાશે. સૂત્રો અનુસાર કઈ ફ્લાઈટ્સ ઓછી કરવામાં આવશે તેની યાદી હજુ તૈયાર કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર ઈન્ડિગોની જે ફ્લાઈટ્સ પર કાપ મૂકાશે તે સ્લોટ હવે અન્ય એરલાઇન કંપનીને આપવામાં આવશે.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું છે કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી કામ કરી રહી છે. સ્થિતિની સમીક્ષા માટે સોમવારે ઉચ્ચ અધિકારીઓની બેઠક કરવામાં આવી. સરકારે હવાઈ મુસાફરોને થતી સમસ્યા જાણવા અધિકારીઓને એરપોર્ટ પર જઈ સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે.
સરકારનો દાવો છે કે પહેલી ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર સુધીમાં 7 લાખ 30 હજાર ટિકિટ માટે 745 કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે. સાથે સાથે ઈન્ડિગોએ 9 હજારમાંથી 6 હજાર બેગ મુસાફરોને પરત પહોંચાડી દીધા છે.
બીજી તરફ ઉૠઈઅએ ઈન્ડિગોને શો કોઝ નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં ઈન્ડિગોએ ટેકનિકલ ખામી, શિયાળાના કારણે સમયમાં બદલાવ, ખરાબ વાતાવરણ, વધુ ભીડ અને ક્રૂને લઈને નવા નિયમોનો હવાલો આપ્યો છે. શેર માર્કેટમાં પણ ઈન્ડિગોને નુકસાન થઈ રહ્યું છે. શેર માર્કેટમાં છેલ્લા સાત દિવસમાં ઈન્ડિગોના શેર 17 ટકા તૂટ્યા છે. જેથી કંપનીની માર્કેટ વેલ્યૂ 4.3 અબજ ડોલર ઘટી છે.
ઈન્ડિગો સામે કાર્યવાહી કરશું, નવી એરલાઈન્સ ભારત આવશે: લોકસભામાં સરકારની જાહેરાત
- Advertisement -
ઇન્ડિગો એરલાઇન્સની મોટા પાયે ફ્લાઇટ્સ રદ થવાના અને મુસાફરોને હાલાકી ભોગવવી પડવાના મામલે સરકારે લોકસભામાં આક્રમક વલણ રજૂ કર્યું છે. કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે કે આ મામલે જવાબદારી નક્કી કરવામાં આવશે અને એરક્રાફ્ટ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકસભામાં તેમણે જણાવ્યું હતું કે, ‘પ્રારંભિક તપાસમાં ઇન્ડિગોની આંતરિક વ્યવસ્થામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ઇન્ડિગોમાં ફ્લાઇટ ક્રૂના આંતરિક રોસ્ટર અને ડ્યુટી શેડ્યૂલમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવી છે, જેના કારણે સમગ્ર નેટવર્કમાં ચેન રિએક્શન શરૂ થયું હતું. શિયાળાનું સમયપત્રક, ખરાબ હવામાન, ટેકનિકલ ખામીઓ અને હવાઈ ટ્રાફિકની ભીડને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. નવા નિયમ અંગે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, ‘પાયલટના થાકને દૂર કરવા માટે નવા નિયમનું પાલન કરવાની ઇન્ડિગોએ ખાતરી આપી હતી, પરંતુ રોસ્ટરની સમસ્યાને કારણે મોટા પાયે ફ્લાઇટ્સ રદ થઈ.’ રામ મોહન નાયડુએ મુસાફરોને ખાતરી આપી હતી કે, ‘સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને મુસાફરો સાથે અસભ્ય કે અસંવેદનશીલ વર્તન કરનારી કોઈપણ એરલાઇનને મંજૂરી આપવામાં આવશે નહીં. અમે ભારતમાં સેવા શરૂ કરવા માટે નવી એરલાઈન્સને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. વધુ કંપનીઓનો અર્થ વધુ સેવા છે.



