અમદાવાદના એક કાપડના વેપારી સાથે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે રૂ.17 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીએ Google પર ક્રિપ્ટો ખરીદવા માટે કંપની સર્ચ કરીને તેમની સાથે વાતચીત શરૂ કરી હતી. કંપનીના કહેવાતા ‘એડવાઈઝરે’ તેમને ઊંચા નફાની લાલચ આપીને વિશ્વાસમાં લીધા, જેના કારણે વેપારીએ જુદા-જુદા ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.17,00,000 નું રોકાણ કર્યું. જોકે, જ્યારે વેપારીએ પોતાનો નફો અને રોકાણ કરેલી રકમ પરત માગી, ત્યારે તેમને કોઈ રકમ આપવામાં આવી નહોતી અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું. આખરે, વેપારીએ અજાણ્યા ઠગ શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શીલજ વિસ્તારમાં કપડાની દુકાન ચલાવતા મહેન્દ્રભાઈ ચંદવાની ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાના ઈરાદે છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમના મિત્ર સાથેની વાતચીત દરમિયાન તેમને ‘WEBULL’ નામના ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ વિશે માહિતી મળી હતી. મહેન્દ્રભાઈએ ગૂગલ પર આ કંપનીની વેબસાઈટ સર્ચ કરીને તેના પર આપેલા નંબર દ્વારા સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ, કંપનીએ તેમનો સંપર્ક કરીને એક ‘એડવાઈઝર’ પૂરો પાડ્યો, જે મહેન્દ્રભાઈનું ક્રિપ્ટો એકાઉન્ટ હેન્ડલ કરતો હતો. વિશ્વાસ મૂકીને મહેન્દ્રભાઈએ શરૂઆતમાં રૂ.50,000 નું રોકાણ કર્યું હતું, જે રકમ તેમને WEBULLની વેબસાઈટમાં દેખાતી હતી.
- Advertisement -
પૈસા ઉપાડવા ગયા ત્યારે ભાંડો ફૂટ્યો
એડવાઇઝર પર વિશ્વાસ આવતા મહેન્દ્રભાઈએ વિવિધ ટ્રાન્ઝેક્શન દ્વારા ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે કુલ રૂ.17 લાખનું રોકાણ કર્યું હતું. આ રોકાણના બદલામાં તેમને WEBULLની વેબસાઈટ પર નફા સાથે કુલ 81,958 યુએસ ડોલર દર્શાવવામાં આવ્યા હતા. જોકે, જ્યારે તેમણે આ રકમ ઉપાડવા માટે વિનંતી કરી ત્યારે તે સફળ થઈ નહોતી. ત્યારબાદ તેમની પાસેથી 20% ટેક્સ ભરવાનું કહેવામાં આવ્યું હતું. મહેન્દ્રભાઈએ ટેક્સ ભરવાનો ઇનકાર કરીને પોતાની મૂળ રોકાણ કરેલી રૂ.17 લાખની રકમ પરત માગી, પરંતુ તે પણ તેમને આપવામાં આવી નહોતી. આખરે, પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા મહેન્દ્રભાઈએ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો અને આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.




