અસ્થાયી નિવાસીથી સ્થાયી નિવાસી (TR to PR)
સરકારના ઇમિગ્રેશન લેવલ્સ પ્લાન 2026-2028માં જણાવાયું છે કે, 2026 અને 2027ની વચ્ચે કુલ 33,000 કામચલાઉ વર્ક પરમિટ ધારકોને PR આપવામાં આવશે. આ એવા લોકો માટે છે જેઓ કેનેડામાં કાર્યરત છે અને ટેક્સ ચૂકવે છે, સમાજમાં એકીકૃત થયા છે અને લાંબા સમયથી કેનેડામાં વસેલા છે. 2021માં TR થી PR પાઇલટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો, જે લૉન્ચ થતા જ ભરાઈ ગયો હતો. જોકે, સરકારે હજુ સુધી આ માટે જરૂરી દસ્તાવેજ લિસ્ટ અને ચોક્કસ નિયમો જાહેર નથી કર્યા.
- Advertisement -
અમેરિકન H-1B વિઝા ધારકો માટે PR મેળવવાનો ઝડપી રસ્તો
કેનેડાના 2025ના બજેટની જાહેરાતમાં જણાવાયું હતું કે, કેનેડા H-1B પર અમેરિકામાં કામ કરતા લોકોને ઝડપી PR નો રસ્તો આપશે. આ નવો કાર્યક્રમ ટેક, હેલ્થકેર અને સંશોધન જેવા મુખ્ય ક્ષેત્રોમાં કામ કરતા ઉચ્ચ કુશળ વ્યાવસાયિકોને આકર્ષવા માટે કેનેડાની યોજનાનો એક ભાગ છે. 2023માં પણ આવો જ સફળ પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 10,000 H-1B ધારકોને 3 વર્ષની ઓપન વર્ક પરમિટ આપવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, આ નવો રૂટ થોડા મહિનામાં શરૂ થશે, પરંતુ ચોક્કસ તારીખ અને સંપૂર્ણ પાત્રતા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. H-1B વિઝા પર અમેરિકામાં કામ કરી રહેતા અને અમેરિકા છોડવા ઈચ્છતા ભારતીયો માટે આ સારા સમાચાર છે.
- Advertisement -
બાંધકામ ક્ષેત્રમાં વિદેશી કામદારો માટે નવો PR પ્રસ્તાવ
માર્ચ 2025માં, IRCC એ જાહેરાત કરી હતી કે 14,000 વિદેશી બાંધકામ શ્રમિકોને કેનેડામાં પ્રવેશ આપવામાં આવશે. આમાંથી 6,000 જગ્યાઓ બિનદસ્તાવેજીકૃત સ્થિતિ હેઠળ કેનેડામાં પહેલાથી જ કામ કરતા કામદારો માટે હશે. આ પગલું બાંધકામ ક્ષેત્રમાં શ્રમિકોની તીવ્ર અછત અને રહેઠાણની ઊંચી માંગને કારણે છે. જો કે, સરકારે હજુ સુધી જણાવ્યું નથી કે, PR હશે, અસ્થાયી હશે અથવા બંનેનું મિશ્રણ. જોકે, હજુ સુધી અરજીની તારીખ કે પાત્રતા જાહેર કરવામાં નથી આવી.
કૃષિ અને મત્સ્ય (Agriculture & Fish Processing) પ્રક્રિયા માટે નવો પ્રાદેશિક PR રૂટ
IRCCની 2025-2026 યોજના કૃષિ અને મત્સ્ય/સીફૂડ ઉદ્યોગોમાં વિદેશી કામદારો માટે એક નવો, અલગ PR માર્ગ દર્શાવે છે. આનાથી આ ક્ષેત્રોમાં ભરતી સરળ બનશે અને તેમાં અલગ “ક્ષેત્ર-વિશિષ્ટ વર્ક પરમિટ”નો સમાવેશ થશે. આ માટે વિગતવાર પાત્રતા નિયમો બહાર પાડવામાં આવ્યા નથી, પરંતુ તે ખાસ કરીને ખેતરો, ગ્રીનહાઉસ, પોલ્ટ્રી, મીટ પ્રોસેસિંગ, ફિશ પ્લાન્ટ અને વધુમાં કામ કરતા લોકો માટે હોવાની શક્યતા છે.
Economic Mobility Pathways Pilot (EMPP) નો નવો સ્થાયી PR કાર્યક્રમ
સરકાર ટૂંક સમયમાં EMPP પાઇલટને કાયમી PR પ્રોગ્રામમાં રૂપાંતરિત કરશે. EMPP એવા શરણાર્થીઓ માટે છે જેઓ વિસ્થાપિત છે પરંતુ તેમની પાસે કૌશલ્ય, ડિગ્રી અને ભાષા ક્ષમતાઓ છે જે કેનેડામાં કામ કરી શકે છે. EMPP પાઇલટ 31 ડિસેમ્બર, 2025ના રોજ સમાપ્ત થશે, તેથી તેનું કાયમી સંસ્કરણ 2026માં શરૂ થવાની સંભાવના છે.
2019થી માર્ચ 2025 સુધીમાં, આ કાર્યક્રમ દ્વારા 970 લોકો કેનેડામાં પ્રવેશ્યા છે. આ કાર્યક્રમ શરણાર્થી અથવા વિસ્થાપિત વ્યક્તિનું પ્રમાણ, શિક્ષણ અને વર્ક એક્સપીરિયન્સ તેમજ ભાષાના સ્કોર જોવામાં આવશે.
ફરી ખુલશે Home-Care Workers Immigration Pilot
માર્ચ 2025 માં બે પાઇલટ પ્રોજેક્ટ્સ, ચાઇલ્ડ કેર અને હોમ સપોર્ટ, લોન્ચ કરવામાં આવ્યા હતા. દરેક પ્રોજેક્ટમાં 2,750 અરજી મર્યાદા હતી. આ મર્યાદા લોન્ચ થયાના એક જ દિવસમાં ભરવામાં આવી હતી. ત્યારબાદ, આ પ્રોજેક્ટ્સ કેનેડામાં કામ કરતા લોકો માટે ખુલ્યા, પરંતુ IRCC સાઇટ પર “કેનેડાની બહાર” કામ કરતા પ્રોજેક્ટ માટે બંધ છે. કેનેડામાં કામ કરતા હોમ-કેર કામદારો માટે 2026માં અરજીઓ ફરીથી ખુલવાની અપેક્ષા છે. આ માટે, કેનેડામાં ફુલ ટાઇમ નોકરીની તક, ભાષામાં CLB 4 કે તેથી વધુ, હાઇ સ્કૂલ કે તેથી વધુનું શિક્ષણ અને ઓછામાં ઓછા 6 મહિનાનો અનુભવ જરૂરી રહેશે.
ગ્રામીણ અને ફ્રેન્ચ સમુદાયોમાં સ્થાયી થવા માંગતા લોકો
કેનેડા તેના ગ્રામીણ વિસ્તારોમાં વધતી શ્રમની અછતને પહોંચી વળવા માટે બે નવા ઇમિગ્રેશન પાઇલટ્સ – રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન પાઇલટ (RCIP) અને ફ્રાન્કોફોન કોમ્યુનિટી પાઇલટ (FCIP) – શરૂ કરી રહ્યું છે. બંને કાર્યક્રમો ક્યૂબેકની બહારના નાના શહેરો અને નગરોમાં નોકરીદાતાઓને લાયક વિદેશી કામદારોની ભરતી કરવામાં મદદ કરશે. આ પાઇલટ્સ એવા કુશળ કામદારોને લાભ આપશે જેઓ ગ્રામીણ કેનેડામાં કાયમી ધોરણે સ્થાયી થવા માંગે છે.
આ પણ વાંચોઃ ‘અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ’ યુએસ વિઝા નિયમ પર બોલ્યા જયશંકર
બંને માર્ગો નોકરીદાતા-સંચાલિત છે, એટલે કે ઉમેદવારો પાસે અરજી કરવા માટે સમુદાયના નોકરીદાતા તરફથી ફુલ-ટાઇમ નોકરીની ઓફર હોવી જરૂરી છે. અરજદારોએ શિક્ષણ, કાર્ય અનુભવ, ભાષા અને સેટલમેન્ટ ફન્ડ જેવી શરતોને પણ પૂર્ણ કરવી આવશ્યક છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વ્યક્તિગત સમુદાયો 2026માં નવા ઇન-ડિમાન્ડ ક્ષેત્રો, પ્રાથમિક વ્યવસાયો અને નવા નોકરીદાતા હોદ્દાઓ પણ જાહેર કરી શકે છે.
આ પાઇલટ પ્રોજેક્ટ્સ ગ્રામીણ વિસ્તારોની જરૂરિયાતોને અનુરૂપ કુશળ વ્યક્તિઓની પસંદગી કરશે. RCIP માટેના ઉમેદવારોએ અંગ્રેજી અથવા ફ્રેન્ચમાં CLB 4-6 અને FCIP માટે, તેઓએ ફ્રેન્ચમાં NCLC 5 સ્તર પર દક્ષતા પુરવાર કરવી પડશે. અરજદારો પાસે છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછો એક વર્ષનો સંબંધિત કાર્ય અનુભવ હોવો જોઈએ અથવા તે જ સમુદાયમાં માન્યતા પ્રાપ્ત શાળા/કોલેજ પૂર્ણ કરી હોવી જોઈએ. તેમણે કેનેડામાં આગમન પર પોતાને અને તેમના પરિવારોને ટેકો આપવા માટે પૂરતા નાણાંકીય સંસાધનો પણ દર્શાવવા આવશ્યક છે.
સરકારના જણાવ્યાનુસાર, આ કાર્યક્રમો નાના શહેરોની વસ્તી અને અર્થતંત્ર બંનેને વેગ આપશે. ભારતીય કામદારો માટે, ખાસ કરીને હેલ્થકેર, છૂટક, ખાદ્ય સેવા, બાંધકામ અને ફ્રેન્ચ બોલતા ક્ષેત્રોમાં નોકરી શોધનારાઓ માટે પણ આ એક મોટી તક માનવામાં આવે છે.




