રૂ. 11.45 લાખના દાગીનાનું પેમેન્ટ ન કરવાના કેસમાં રાજકોટ કોર્ટનો ચુકાદો; આરોપીનો ઈરાદો કેસ લંબાવવાનો હોવાનું કોર્ટે તારવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સોની વેપારીઓ પાસેથી દાગીના ખરીદી પેમેન્ટ ન ચૂકવવાના વિવાદમાં સપડાયેલા જેતપુર સ્થિત વી.એન. જ્વેલર્સના માલિક હીરેન મકવાણાને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.
રાજકોટની એસ.એસ. ગોલ્ડ પેઢી પાસેથી ખરીદેલા રૂ. 11,45,554/-ના દાગીનાનું પેમેન્ટ કરવા આપેલા ચેક રિટર્નના કેસમાં, ટ્રાયલ દરમિયાન આરોપી હીરેન મકવાણાએ ચેકને ઋજક (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલવા માટે કરેલી માંગણીને રાજકોટના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે નામંજૂર કરતો હુકમ ફરમાવ્યો છે.
કેસની વિગત મુજબ, જેતપુરના હીરેન મકવાણાએ એસ.એસ. ગોલ્ડ પાસેથી રૂ. 11,45,554/-ના સોનાના દાગીના ખરીદ્યા હતા અને પેમેન્ટ માટે ચેક આપ્યો હતો. જોકે, આ ચેક રિટર્ન થતાં પેઢીએ ડીમાન્ડ નોટિસ પાઠવી હતી, છતાં પેમેન્ટ ન થતાં કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે આરોપીએ ચેક ઋજકમાં મોકલવાની અરજી કરી હતી.
ફરિયાદીના વકીલોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીની મોડસ ઓપરેન્ડી જુદા જુદા લોકો પાસેથી કુલ રૂ. 2,05,28,021/-ના દાગીના મેળવીને ચેક આપીને પાસ થઈ જવાની ખાતરી આપી દાગીના ઓળવી જવાની છે. આ સંબંધે રાજકોટ શહેર એ-ડિવિઝનમાં આરોપી વિરુદ્ધ ઋઈંછ પણ નોંધાયેલી છે. વકીલોએ દલીલ કરી હતી કે જ્યારે ચેકમાં સહીનો ઇનકાર ન હોય અને કાયદેસરના લેણા પેટે ચેક અપાયો હોય, ત્યારે ચેકની બોડીમાં લખાયેલું લખાણ મહત્વનું નથી. આરોપીનો ઈરાદો માત્ર ટ્રાયલને વિલંબિત કરવાનો છે.
બંને પક્ષોની દલીલો સાંભળીને અને રેકર્ડ પરની હકીકતોને ધ્યાનમાં લઈને કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા ચેકમાં આરોપીની સહી છે અને તે તેના બેંક ખાતાનો છે, તે સ્વીકાર્ય છે. જ્યારે ચેક કાયદેસરના દેવા પેટે ઇશ્યૂ કરવામાં આવ્યો હોય ત્યારે ફરિયાદીની તરફેણમાં અનુમાન કરવાનું રહે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, હેન્ડ રાઈટિંગ એક્સપર્ટનો અભિપ્રાય માત્ર એક અભિપ્રાય છે, તે કોઈ નિષ્કર્ષિત પુરાવો નથી અને તેનાથી આરોપીને કોઈ મોટો ફાયદો થતો નથી. આરોપીનો ઈરાદો ટ્રાયલને લંબાવવાનો સ્પષ્ટ જણાતા, કોર્ટે ચેક ઋજક માં મોકલવાની અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવ્યો હતો.
આ કેસમાં ફરિયાદી અલ્પેશભાઈ ધાનાણી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી સહિતની ટીમ રોકાયેલી હતી.



