ખાસ-ખબર ન્યૂઝ ઈં જૂનાગઢ, તા.2
માંગરોળ તાલુકાના લોએજ ગામના એક યુવકને જુગાર રમવા લઈ જઈને તેની પાસેથી ટુકડે ટુકડે રૂ. 60 લાખ મેળવ્યા બાદ વધુ રૂ. 1 કરોડ કરતાં વધુ રકમની ઉઘરાણી કરી સોનાના ચેઇનની લૂંટ ચલાવવાની ગંભીર ફરિયાદ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
લોએજ ગામે રહેતા 40 વર્ષીય હરદાસ રામભાઈ ચાંડેરાની મુલાકાત તા. 22 ઓગસ્ટના રોજ ગામના રામગોવિંદભાઈ નંદાણીયા ઉર્ફે લાલા ગોવા સાથે શીલબારાના મેળામાં થઈ હતી. લાલા ગોવાએ હરદાસને જુગાર રમવા માટે તૈયાર કર્યો અને તે જ રાત્રે 11 વાગ્યે રહીજ ગામે ગોપાલ કૃષ્ણ રામની વાડીએ જુગાર રમવા બોલાવ્યો હતો. ત્યાં લાલા ગોવા, હિતેન ઉર્ફે કાળો ઉર્ફે કાળુ રમેશ વાઢેર, ગોપાલ કરસન રામ અને હર્ષિત મનીષ જોટવા સાથે હરદાસને જુગારમાં બેસાડ્યો. જુગારમાં યુવકને પ્રથમ રૂ.4 લાખનું લેણું થયું, જે તેણે બીજા દિવસે ચૂકવી દીધું હતું. ત્યારબાદ લાલા ગોવા અને કાળો સતત 20 દિવસ સુધી તેને જુગાર રમવા માટે લાલાના ઘરે અને હોટલે લઈ જતા હતા. રોકડ ન હોવાથી યુવકે બાકીમાં રમવાનું શરૂ કર્યું. આ દરમિયાન લાલા ગોવા અને કાળાએ કાવતરું કરી તેને જુગાર રમાડી લાલા ગોવાના રૂ.55 લાખ અને કાળાના રૂ. 20 લાખ ચડાવી દીધા હતા.
આ રકમ માટે દબાણ અને ધમકીઓ આપતા, યુવકે મોટાભાઈની મદદથી બહેનના સસરા પાસેથી રૂ. 8 લાખ લાવી લાલા ગોવાને આપ્યા હતા. તેમ છતાં, રામ ઉર્ફે લાલા ગોવિંદ ઉર્ફે ગોવા નંદાણીયા અને હિતેન ઉર્ફે કાળો રમેશ વાઢેરે ટુકડે ટુકડે કુલ રૂ. 60 લાખ મેળવી લીધા હતા. ત્યારબાદ બંનેએ યુવક અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી વધુ રૂપિયા 1,03,50,000ની ઉઘરાણી કરી સમાધાન માટે હોટલે બોલાવ્યો હતો. ત્યાં યુવક પાસે બે ચેક લખાવી લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, હિતેન ઉર્ફે કાળુએ યુવકના રૂ. 1.50 લાખની કિંમતના સોનાના ચેઇનની લૂંટ ચલાવી હતી અને એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી માર માર્યો હતો. આ ગંભીર ઘટના અંગે યુવકે સોમવારે ફરિયાદ નોંધાવતા માંગરોળ મરીન પોલીસે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે.



