‘દારૂ, જુગાર અને ડ્રગ્સની બદી યુવાધનને બરબાદ કરી રહી છે’: સમાજના આગેવાનોએ જવાબદાર પોલીસકર્મીઓ સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહીની માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ વડગામ
- Advertisement -
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા ગૃહમંત્રી અને પોલીસ સામે કરાયેલા આકરા પ્રહારો બાદ ગુજરાતમાં દારૂબંધીનો મામલો હોટ ટોપિક બન્યો છે. ત્યારે હવે મોરબીમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે અનુસૂચિત જાતિના આગેવાનો મેદાને આવ્યા છે.
જિલ્લાના અનુસૂચિત સમાજના આગેવાનોએ આજે મોરબી જિલ્લા પોલીસ વડા (જઙ) ની કચેરીએ પહોંચીને દારૂબંધી મામલે ઉગ્ર દેખાવો અને નારા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સમાજના આગેવાનોએ એસપીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિ વિસ્તારોમાં દારૂ, જુગાર અને ડ્રગ્સની બદી ખૂબ જ ફૂલીફાલી રહી છે અને આ નશાની લત યુવાધનને બરબાદ કરી રહી છે. આગેવાનોએ આ દૂષણ કોની મીઠી નજર હેઠળ ચાલે છે તેની તટસ્થ તપાસ કરીને જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અનુ.જાતિ સમાજના આગેવાન રાજેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, જ્યાં અનુસૂચિત જાતિ સમાજનો વસવાટ વધુ છે તેવા વિસ્તારોમાં દારૂની બદી ધમધમી રહી છે. તેમણે દારૂ અને ડ્રગ્સનું વેચાણ તાત્કાલિક બંધ કરવા અને બુટલેગરોના નેટવર્કને તોડવા માટે ખાસ કોમ્બિંગ અને દરોડા પાડવાની માંગ કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો કાર્યવાહી નહીં થાય તો કાયદાની મર્યાદામાં રહીને જનતા રેડ કરવામાં આવશે.



