રાજ્યના વિકાસ કમિશનરે પરિપત્ર બહાર પાડી બે સપ્તાહમાં કામગીરી કરવા આદેશ કર્યો
ગ્રામ પંચાયતને કૂતરાં માટે સ્પેશિયલ ફીડીંગ ઝોન બનાવવાની પણ સૂચના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્યભરના તલાટીઓને માથે હવે રખડતાં શ્વાન જાહેર સ્થળોએ ક્યાં ક્યાં રહે છે તે જગ્યાઓ શોધવાની અને ત્યાંથી હટાવવાની જવાબદારી આવી છે. એકથી વધુ ગ્રામ પંચાયતોની ફરજ વચ્ચે તાજેતરમાં સરની કામગીરીમાં બીએલઓ સહાયક તરીકે પણ નિમણૂંકો કરાઈ છે. ત્યાં વધુ એક કામગીરીને લઈ તલાટીઓમાં કચવાટ ઉઠ્યો છે.
રાજ્યના વિકાસ કમિશ્નરે એક પરિપત્ર કરી, ગ્રામ પંચાયતની હદમાં આવેલી તમામ સરકારી અને ખાનગી શૈક્ષણીક સંસ્થાઓ, હોસ્પિટલો, જાહેર રમત ગમત સ્થળો, બસ સ્ટેન્ડ, એસ.ટી.ડેપો, રેલવે સ્ટેશન સહિત તમામ જાહેર સ્થળો કે જ્યાં રખડતાં કૂતરાં રહેતા હોય તે જગ્યાની ઓળખ બે સપ્તાહમાં કરી લેવા જણાવ્યું છે.
- Advertisement -
ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી, તાલુકા કક્ષાએ પશુચિકિત્સા અધિકારી અને જિલ્લા કક્ષાએ નાયબ પશુપાલન નિયામકે આવી દરેક સંસ્થાના વડા સાથે બેઠક કરી, બે મહિનામાં તેમના પરિસરમાં આવી જગ્યાએ કૂતરાં ન ઘૂસે તે માટે વાડ, બાઉન્ડ્રી વોલ, ગેટથી સુરક્ષિત કરવા જણાવ્યુ છે. તેમજ ગ્રામ પંચાયતોને સંસ્થાકીય પરિસરમાં મળી આવેલાં રખડતા કૂતરાંને તાત્કાલીક દૂર કરી, એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ, 2023 અનુસાર યોગ્ય નસબંધી અને રસીકરણ પછી નિયુક્ત આશ્રયસ્થાનમાં ખસેડવા તાકીદ કરી છે.
જો કે, આવાં કૂતરાંઓને રસીકરણ અને નસબંધી પછી તે જ સ્થળે પાછા નહીં છોડવા સ્પષ્ટતા પણ કરી છે.



