સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે યુવાનો અને યુવતીઓ વચ્ચે પ્રેમની અભિવ્યક્તિ કરવી ખૂબ ઝડપી અને સહેલી બની ગઈ છે. ત્રણ અક્ષરનો બનેલો માત્ર એક શબ્દ ’ઈં ક ઞ’ જ લખવાનો રહે છે. પછી ક્યારે મન મળી ગયાં, તન ભળી ગયા અને બે યુવાન-યુવતી એક બીજાને વરી ગયા એની ખબર રહેતી નથી.
આની સરખામણીમાં યુગો પહેલા લાખો-કરોડો વર્ષ પહેલાની એક ઘટના રજૂ કરવાનું મન થાય છે. સૃષ્ટિના જન્મ પહેલાની આ ઘટના છે. ભગવાન મહાદેવ ઘોર તપમાં બેઠા હતા. તપ દરમ્યાન અવાર-નવાર કોઈ સુંદર લાવણ્યમતી યુવતીનો ચહેરો એમને ખલેલ પહોંચાડતો હતો. મહાદેવે દિવ્ય દૃષ્ટિથી જાણી લીધું કે ક્યાંક કોઈ સ્થળે એક આશ્રમમાં આવો સુંદર ચહેરો ધરાવતી યુવતી ખુલ્લા કેશ અને વલ્કલો પહેરીને પોતાના મનોવાંછિત પતિને પામવા માટે ઉગ્ર તપ આચરી રહી છે.
દેવી પાર્વતીના જન્મ પહેલાની આ વાત છે. દક્ષ પ્રજાપતિની દુહિતા સતી પોતાના ઈચ્છિત વરને પામવા માટે તપસ્યા કરતી બેઠી હતી. મહાદેવ પોતાના સંકલ્પ બળથી ત્યાં ઉપસ્થિત થયા. એમના ઘેરા, ગંભીર, પહાડોને ગજાવતા સ્વરમાં એમણે સતીને કહ્યું, “દેવી, હું પ્રસન્ન થયો છું. તું વરદાન માગ.”
- Advertisement -
સતી લજવાઈ ગયાં. એ આંખો ઢાળીને બોલ્યાં, “ભગવાન, આપના દર્શન થઈ ગયા એ જ મારી સૌથી મોટી ઉપલબ્ધિ છે. હવે મારે કંઈ જ માગવું નથી.”
મહાદેવે બીજી વાર કહ્યું, “દેવી, હું તમને આગ્રહ પૂર્વક કહું છું કે તમારે જે માગવું હોય તે માગી લો. અખિલ બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી જે હું તમને નહીં આપી શકું. આવો મોકો ફરી વાર નહીં મળે. તમે ગભરાયા વગર વરદાન માગો.”
સતીએ ફરીથી એ જ જવાબ આપ્યો. આવું ચાર-પાંચ વાર બન્યું. મહાદેવ વરદાન માગવા માટે આગ્રહ કરતા રહ્યા અને સતી શરમાતા રહ્યા.
સતીની સામે આકાશને આંબે એવો બ્રહ્માંડનો નાથ ઊભો હતો. જેના કંઠમાં મોટો નીલમણિ શોભતો હોય એવો હળાહળ વિષનો રંગ શોભતો હતો, તેત્રીસ કોટી દેવોનો મહાદેવ જટામાં ધારણ કરેલા ચંદ્રમાથી પ્રેમ સભર પ્રકાશ વેરીને આગ્રહ કરી રહ્યો હતો કે ’માગ માગ માગે તે આપું.’ અને એમની સામે ભુવન મોહિનીને શરમાવે તેવું સૌંદર્ય ધરાવતી એક મુગ્ધ યુવતી ઘુંટણ ઉપર બેસીને, બે હાથ જોડીને, નયનો નીચે ઢાળીને શરમાઈ રહી હતી. બે હાથમાંથી એક હાથ છૂટો પડી ગયો, બીજા હાથે સતીએ ભૂમિનો ટેકો લીધો અને છૂટા હાથ વડે ભૂમિ પરના તણખલા તોડવાં લાગ્યાં. ઉભડક બેઠેલી લાવણ્યમયી આ સતીની ભાવભંગીમાં એની નમેલી ડોક, ઝૂકેલી આંખો અને જમીન પરના તણખલા તોડી રહેલી એમની નાજુક આંગળીઓ આ દૃશ્ય સંયમના સ્વામી, કામ વિજેતા દેવાધિદેવ મહાદેવને પણ લલચાવી ગયું.
જ્યારે મહાદેવે ખૂબ આગ્રહ કર્યો ત્યારે સતી કોમળ અવાજમાં માત્ર આટલું બોલ્યાં, “ભગવાન, આપ તો અંતર્યામી છો. મારા મનની ઈચ્છા આપ જાણો જ છો. મારા હૃદયમાં જે પામવાની ઈચ્છા છે એ આપવાની કૃપા કરો.”
મહાદેવ પ્રસન્ન, પ્રસન્ન, પ્રસન્ન થઈ ગયા અને બોલી ઉઠ્યા, “હે પ્રિયે, હું તારા હૃદયની વાત જાણું છું માટે જ તો વરદાન આપવા માટે આવ્યો છું. આ જ ક્ષણથી હું તારો સ્વીકાર કરું છું. જે રીતે મેં મારા ગળામાં વાસુકિ નાગને ધારણ કર્યો છે એ રીતે મારા હૃદયમાં હું આજથી તને ધારણ કરું છું. હે સખી, ઊભી થા. તારા સૌંદર્ય મઢ્યા દેહને તપ રૂપી અગ્નિમાં તાવવાનું બંધ કર. સ્વ-ગૃહે જા અને તારા માતા-પિતાને કહે કે શીઘ્રાતિશીઘ્ર લગ્નનું મુહૂર્ત કઢાવે.”
- Advertisement -
સતી ઊભા થયાં અને મહાદેવની પહાડ જેવી છાતી ઉપર માથું ઢાળીને આલિંગી રહ્યાં.
જ્યાં આવો સ્નેહ હોય, જ્યાં સ્નેહની આવી રજૂઆત હોય અને જ્યાં આવા સ્નેહ લગ્ન હોય ત્યાં જ પતિનું અપમાન સહન ન કરી શકનાર સતી યજ્ઞ કુંડમાં પડીને પોતાના પ્રાણ ત્યાગી શકે અને આવા લગ્નમાં બંધાયેલા પતિ જ પોતાની પત્નીના મૃતદેહને ઉંચકીને બ્રહ્માંડમાં તાંડવ નૃત્ય કરતા ઘૂમી શકે. એકાવન શક્તિ પીઠોનો જન્મ આવી પવિત્ર કાયાના ટુકડા થવાથી થયો છે.
સોશિયલ મીડિયા ઉપર ઇલુ-ઇલુ કરતી આ મહાન આર્યાવર્તની યુવાન પેઢીને આ દૃશ્ય ઘણું બધું શીખવી જાય તેવું છે.



