ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
વિનાશક ‘દિતવાહ’ વાવાઝોડાના કારણે પડોશી દેશ શ્રીલંકામાં ભયંકર વિનાશ થયો છે, જ્યાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 123 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલમાં, શ્રીલંકામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હવે આ ભયાનક વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે.
- Advertisement -
વાવાઝોડાના કારણે ભારત અને શ્રીલંકા વચ્ચેની ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ્સ રદ થવાને લીધે લગભગ 300 ભારતીય મુસાફરો છેલ્લા ત્રણ દિવસથી કોલંબોના બંદારનાયકે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફસાયેલા છે. આ ફસાયેલા મુસાફરોમાં આશરે 150 લોકો તમિલનાડુના છે, જેઓ દુબઈથી શ્રીલંકા થઈને ભારત આવી રહ્યા હતા.
એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોએ ગંભીર આરોપો લગાવ્યા છે કે ખરાબ હવામાન અને ઓપરેશનમાં અવરોધના કારણે તેમને ખોરાક, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળી રહી નથી. આ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તાત્કાલિક પગલું ભરતા જાહેર વિભાગના સચિવને કોલંબોમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન કરવા અને ફસાયેલા તમિલ મુસાફરોની સુરક્ષિત વાપસી સુનિશ્ર્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે.



