સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષોની અન્ડર વોટર આર્કિયોલોજી વિંગ શોધખોળ કરશે
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા, તા.28
યાત્રાધામ દ્વારકાના પૌરાણિક દ્વારકાધિશ મંદિર નજીક પુરાતત્વ વિભાગ દ્વારા ગુરુવારથી સર્વેક્ષણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પુરાતત્વ વિભાગનાં અધિક મહાનિર્દેશ આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં આર્કિયોલોજી વિભાગની ટીમ દ્વારા જગત મંદિર અને ગોમતી નદી વચ્ચેના શારદા મઠની જગ્યામાં સર્વેક્ષણની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
- Advertisement -
પૌરાણિક માન્યતા અનુસાર દ્વારકાધીશ મંદિર આશરે પાંચ હજાર વર્ષ પહેલા દ્વારકાધીશના પ્રપૌત્ર પઘુમનજી દ્વારા બનાવાયેલ જગતમંદિર અતિ પૌરાણિક હોય જેની દેખરેખ અને જાળવણી પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ પહેલા વખતો-વખત સમુદ્રમાં ડૂબેલી દ્વારકા તથા અન્ય પ્રાચીન ચીજવસ્તુઓની શોધખોળ માટે સર્વે કામગીરી કરાઈ છે. ત્યારે આજે પુરાતત્વ વિભાગ દ્વારા જૂની દ્વારકાના દટાયેલા મહત્વપૂર્ણ અવશેષોની શોધખોળ માટે જગતમંદિરના છપ્પન સીડી પાસેના શારદામઠની જગ્યામાં ખોદકામ કરવાની કામગીરીનો પ્રારંભકર્યો છે. આ માટે સ્થળ પર પૂજન કર્યા બાદ ખોદકામની કામગીરી એએસઆઈના અધિક મહાનિર્દેશકના નેતૃત્વમાં દેશભરમાંથી આવેલ પુરાતત્વવિદ્દો દ્વારા કરવામાં આવશે. જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આ ઉપરાંત સમુદ્રમાં ડૂબી ગયેલ દ્વારકાના અવશેષોની શોધખોળ માટે ભારતીય પુરાતત્વ વિભાગની અન્ડર વોટર આર્કિયોલોજી વિંગ દ્વારા પણ કામગીરી કરાશે. પુરાતત્વ વિભાગનાં અધિક મહાનિર્દેશના જણાવ્યા મુજબ દ્વારકા નગરનું જેટલુ ધાર્મિક મહત્વ છે, તેટલુ જ ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વ રહેલુ છે. જેની પ્રાચીનતા જાણવા સાહિતય અને પુરાતત્વ આધાર પર 100 વર્ષ ઉપરાંતથી વિદ્વાનો દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે. 2005થી 2007 દરમિયાન કરેલ સર્વેક્ષણની મર્યાદિત કક્ષામાં કામગીરી કરવામાં આવેલ. જેમાથી મળેલ પરિણામો આધારે અહીંની પ્રાચીનતાને સિધ્ધ કરવા વધુ પ્રયત્નોની જરૂરિયાત હોય થોડા સર્વે થયેલ કામગીરી બાદ ભારત સરકાર દ્વારા વિશેષ પરિયોજના હેતુ આજેપૂન: સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીંની પ્રાચીનતા તથા દ્વારકા તથા બેટ દ્વારકાના સમુદ્રમાં રહેલા પૌરાણિક અવશેષોની વિસ્તૃત શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. વૈજ્ઞાનિક અને એકેડેમિક એકટીવિટીમાં પુરાતત્વ વિભાગના પટના, નાગપુર, દક્ષિણ ભારત સહિત દેશભરમાંથી આવેલ પુરાતત્વવિદો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પહેલા પણ જગતમંઘીરના મોક્ષ દ્વાર નજીક ખોદકામની કામગીરી કરવામાં આવેલ. પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરેલ ઉત્ખનનની કામગીરીમાં મળતા અવશેષો આધારે આવનારા દિવસોમાં પણ કામગીરી યથાવત રહેશે. મુળ રૂપે અન્ડરવોટર વિંગની ટીમ દ્વારા રાજકોટ વિભાગ તથા કેન્દ્રીય પુરાતત્વ વિભાગના સહકારથી કામગીરી હાથ ધરવામાં આવશે.
2023માં પણ જિર્ણોધ્ધાર અંગે નિરીક્ષણ કરાયું હતું
આ પહેલા વર્ષ 2023મા પણ ભારતના પ્રમુખ તીર્થક્ષેત્ર દ્વારકાધીશ મંદિરના શિખરના વિવિધ ભાગમાં તિરાડો પડી રહી હોવા અંગે અને સાત મજલાના જગતમંદિરના શિખરને હવામાનની સીધી અસર તથા હજારો વર્ષ જૂના પથ્થરોમાં મોટા ગાબડા પડયાના વિવિધ સમાચાર માધ્યોના અહેવાલ બાદ પુરાતત્ત્વ વિભાગના મુંબઈ રીજનલ કચેરી તથા બરોડા અને રાજકોટ કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનીય પુરાતત્વ કચેરી સાથે મંદિરના જિણર્ણોધ્ધાર ચર્ચા કરી મંદિર શિખરનું નિરીક્ષણ કર્યુ હતુ.
અજાયબ દ્વારકા મંદિરની વિશેષતા 150 ફૂટનું શિખર, સાત માળ, 56 સિડી, એક જ શિલામાંથી કોતરેલા 72 સ્તંભ
- Advertisement -
ગોમતી નદીની ઉત્તરે સમુદ્રની સપાટીથી 70 ફૂટની ઊંચાઈએ પશ્ચિમાભિમુખ મંદિર જમીન સપાટીથી લગભગ 150 ફૂટ ઊંચુ મુખ્ય શિખર ધરાવે છે. જયાં બાવન ગજની ધ્વજા લહેરાય છે. આક્રમણકારો દ્વારા ખંડિત થયા પછી 15મી સદીમા આ મંદિર પુન: નિર્માણ થયુ હોવાનું મનાય છે. હાલનું મંદિર 1200 વર્ષ જૂનું છે. હિન્દુઓના ચાર પવિત્ર યાત્રાધામ, સાત પુરી, 68 તીર્થ પૈકિનું આ મંદિર ભાવિકોનું શ્રધ્ધા કેન્દ્ર છે. હાલનું દ્રશ્યમાન દ્વારકાધીશજીનું જગતમંદિર સાત માળનું છે. તે સમુદ્રની સપાટીથી 45 ફૂટ ઊંચે છે. ત્યાં પહોંચવા માટે છપ્પન સીડી ચડવી પડે છે. મંદિરના ચોગાનથી સુવર્ણ કળશ સુધીની ઊંચાઈ 129 ફૂટ છે. આ મંદિર વિમાનગૃહ, ભદ્રપીઠ, લાડવા મંડપ અને અર્ધ મંડપ એમ ચાર વિભાગમાં વહેચાયેલુ છે.
મંદિરની પૂર્વ -પશ્ચિમ લંબાઈ 88 ફૂટ છે. ઉત્તર-દક્ષિણ પહોળાઈ 70 ફૂટ છે. એક જ શિલામાંથી કોતરેલા 72 સ્તંભો ઉપર આ મંદિરની ઈમારત ઉભી છે. મંદિર ઉપરનો ધ્વજ સ્તંભ 25 ફૂટનો છે. તેની ઉપર 20 ફૂટના ધ્વજ દંડમાં બાવન ગજની કાપડની સૂર્ય-ચંદ્રના નિશાનવાળી સફેદ-પચરંગી ધ્વજા દ્વારકાના નલરંગી આકાશમાં લહેરાય છે. જયારે લાડવા મંડપ કે ભા મંડપ 15-16મી સદીમાં બંધાયેલ છે.
આ મંદિરમાં પશુદેહવાળી માનવ મુખી, પરી, પાંચવાળા હાથી વગેરે વિદેશી શિલ્પો છે. આ મંદિરમાં મત્સ્ય, નૃસિંહ, વરાહ, પરશુરામ, લક્ષ્મીનારાયણ વગેરે અવતારોની મૂર્તિઓ કોતરાયેલી છે. નિજ મંદિરનું શિલ્પ વિવિધ સંસ્કૃતિને ઉદઘાટિત કરતુ હોવાથી જગતમંદિર તરીકે પ્રખ્યાત બન્યુ છે. મંદિરના ઉત્તર તરફના દરવાજાઓ મોક્ષહાર અને ગોમતી નદી તરફથી છપ્પન પગથીયા દ્વારા પ્રવેશ થાય છે તે સ્વર્ગદ્વાર કહેવાય છે.



