1લી ડિસેમ્બરે માનવ સાંકળ, સેમિનાર અને રેડ રિબન એક્ટિવિટીઝ; વિરાણી સ્કૂલમાં 1500 વિદ્યાર્થીઓ બનાવશે વિશાળ રિબન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા 38 વર્ષથી એઇડ્સ પ્રિવેન્સન ક્લબ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ (1 ડિસેમ્બર) નિમિત્તે જનજાગૃતિ માટે આગામી ચાર માસ (માર્ચ 2026 સુધી) શાળા, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનું લડત સૂત્ર “વિક્ષેપ પર કાબુ મેળવવો, એઇડ્સ પ્રતિભાવનું પરિવર્તન કરવું” છે. સંસ્થાના ચેરમેન અરુણ દવેના જણાવ્યા મુજબ, ઉજવણીના ભાગરૂપે તા. 29 નવેમ્બરે સવારે 9:00 વાગે વિરાણી સ્કૂલ ખાતે 1500 વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેડ રિબન બનાવવામાં આવશે.
વિશ્વ એઇડ્સ દિવસ (તા. 1 ડિસેમ્બર) ના રોજ સવારે 9:30 કલાકે લોક વિજ્ઞાન કેન્દ્ર (રેસકોર્સ) સામેના ગ્રાઉન્ડમાં માનવ સાંકળ રચવામાં આવશે, જેમાં હોમિયોપેથી કોલેજના છાત્રો અને ડોક્ટરો જોડાશે. આ જ દિવસે શહેર/જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ રેડ રિબન બનાવશે. બપોરે એલ.આર. શાહ હોમિયોપેથિ કોલેજ ખાતે સેમિનાર યોજાશે અને સાંજે લાઇફ બ્લડ સેન્ટર ખાતેથી 500 લાલ ફુગ્ગાની મોટી રેડ રિબન હવામાં તરતી મુકાશે.
આ ઉપરાંત, તા. 2 ડિસેમ્બરે જી.ટી. શેઠ સ્કૂલ ખાતે રેડ રિબન અને તા. 3 ડિસેમ્બરે પંચશીલ સ્કૂલ ખાતે 1000 કેન્ડલની ઝગમગતી રેડ રિબન બનાવવાનું પણ આયોજન છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને મહાનગરપાલિકા સહિત વિવિધ સંસ્થાઓનો આ કાર્યક્રમમાં સહયોગ મળી રહ્યો છે.



