મનપાએ રેલવે પાસે સ્ટીલ ગર્ડર લોન્ચિંગ માટે 3 માસ પૂર્વે માગી છે મંજૂરી
બ્રિજની કામગીરી એપ્રિલથી મે માસ આસપાસ પૂરી થવાની સંભાવના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.2 અને 3ની સરહદને વિભાજિત કરતા જામનગર રોડ ઉપર રૂ.75 કરોડના ખર્ચે નિર્માણાધીન સાંઢિયા પુલનો પ્રોજેક્ટ નિયત સમયમર્યાદામાં એટલે કે માર્ચ-2026માં પૂરો ન થાય તેવા સંજોગો વર્તાઇ રહ્યા છે.
સાંઢિયા પુલના કામે સેન્ટ્રલ પોર્શનમાં એટલે કે રેલવે ટ્રેકની બરોબર ઉપરના ભાગે સ્ટીલ ગર્ડર લોન્ચ કરવા રાજકોટ મહાનગરપાલિકાએ 3 મહિના પહેલાં મંજૂરી માગી હતી જે આજદિન સુધી ન મળતા મહાપાલિકાની ચૂંટણી પૂર્વે ડિસેમ્બરમાં પુલનું લોકાર્પણ કરવાનું સત્તાધીશોનું સપનું રોળાયું છે. હવે સંભવત: સાંઢિયા પુલનું કામ એપ્રિલ કે મે મહિનામાં પૂરું થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.
સાંઢિયા પુલનું કામ માર્ચ-2026 સુધીમાં પૂરું કરવાની મુદત છે ત્યારે હવે કામ અટકી ગયું છે અને જ્યાં સુધી રેલવે તંત્રની મંજૂરી ન મળે ત્યાં સુધી આ કામ આગળ ધપી શકે તેમ નથી. આ કામ એ પુલ પ્રોજેક્ટના મહત્ત્વના હિસ્સાનું કામ છે અને તેના માટે 90 દિવસ પૂર્વે મંજૂરી માગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને અગાઉ અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો અને ટેલિફોનિક ફોલોઅપ લેવામાં આવ્યા બાદ પણ હજુસુધી મંજૂરીના ઠેકાણા નથી. અને હજુ એક-બે મહિના બાદ મંજૂરી આવે તેવી શક્યતા છે.
આ કામ માટે રેલવે તંત્રે બ્લોક લેવો પડે એટલે કે જ્યારે કોઈ ટ્રેન પસાર થવાની ન હોય ત્યારે જ સ્ટીલના તોતિંગ ગર્ડર લોન્ચિંગની કામગીરી થઇ શકે છે. તેથી જ્યાં સુધી રેલવે તંત્ર લીલીઝંડી નહીં આપે ત્યાં સુધી કામ અટકેલું રહેશે.
સત્તાધીશો આ પુલનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની ગણતરી રાખી રહ્યા હતા જે હવે શક્ય ન હોવાનું જાણવા મળે છે.



