તે જ સ્થળે બનશે આધુનિક આવાસ એકમો સંભવિત જોખમ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી યુદ્ધના ધોરણે કામગીરી: કર્મચારીઓને મળશે સલામત અને સુવિધાજનક રહેઠાંણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર શહેરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાંબા સમયથી જૂના અને જર્જરિત બનેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના કોમનપુલના ક્વાર્ટરોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સંભવિત જોખમ અને સુરક્ષાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જૂની ઇમારતો તોડી પાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે, જે હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ જર્જરિત માળખાં સંપૂર્ણપણે તોડી પાડ્યા બાદ તે જ સ્થળે નવા અને આધુનિક સરકારી આવાસ એકમોનું નિર્માણ કરવામાં આવશે.
સરકાર રાજ્યના સેવકોને તણાવમુક્ત અને રહેવા યોગ્ય વાતાવરણ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે. આ નવનિર્માણ કાર્ય દ્વારા સરકારી કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓને ઉત્તમ, સલામત અને સુવિધાજનક રહેઠાણ મળી રહેશે. રહેઠાણની ઉત્તમ સુવિધા સીધી રીતે કર્મચારીઓના મનોબળ અને કાર્યક્ષમતામાં વધારો કરે છે, જે આખરે નાગરિકોને અપાતી સેવાઓની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થશે. નવા રહેઠાણની આશાથી સરકારી કર્મચારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



