પાલિતાણા પોલીસે મદદ કરનાર મહિલા સહિત 4 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી; એક આરોપી ’પ્રકાશ’ હજુ ફરાર
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
- Advertisement -
ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાંથી એક અત્યંત શરમજનક અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સગીરાનું અપહરણ કરીને તેની સાથે ચાર લોકો દ્વારા અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ ગંભીર ગુનાની ફરિયાદ દાખલ થતાં જ પાલીતાણા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં મદદ કરનારી એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા આરોપીઓમાં અશ્વિન ચૌહાણ, નટુ ચૌહાણ, મહેશ ચુડાસમા અને મદદ કરનાર એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે, આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક શખ્સ, જેનું નામ પ્રકાશ હોવાનું જાણવા મળ્યું છે, તે હાલ પોલીસ પકડથી દૂર છે. પાલીતાણા પોલીસે ફરાર આરોપી પ્રકાશને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.



