સાહિત્ય સેતુ દ્વારા 27 નવેમ્બર, ગુરુવારે લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા વિદ્યાલયમાં કાર્યક્રમ; કવિના કાવ્યોનું ગાન અને વક્તવ્યનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતી માતૃભાષાની અમર રચના *‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ’*ના રચયિતા, ગરવા કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરની 156મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પ્રેરિત સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ તા. 27/11/2025, ગુરુવારના રોજ સવારે 9.00 વાગે સદર વિસ્તારમાં આવેલ લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા વિદ્યાલયમાં યોજાશે.
કવિ બોટાદકર, જેમના પાંચ કાવ્યસંગ્રહો (કલ્લોલિની, સ્તોત્રસ્વીની, નિર્ઝરિણી, રાસતરંગિણી, શૈલવિની) ગુજરાતી કવિતાનું વિશિષ્ટ અર્પણ છે, તેમને સ્મરણાંજલિ અર્પવાનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે.
કાર્યક્રમના પ્રારંભમાં કવિની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. કવિ ગાયક લેખક નાટ્યકાર પ્રકાશ હાથી દ્વારા ’મીઠા મધુને મેહુલા રે લોલ’ સહિતના કાવ્યોનું મધુર ગાન કરવામાં આવશે. આ ઉપરાંત, કવયિત્રી ડો. વનિતા રાઠોડ કવિના જીવન અને કવન વિશે વક્તવ્ય આપશે. શાળાની વિદ્યાર્થીની બહેનો પણ વક્તવ્ય રજૂ કરશે. સાહિત્ય સેતુના અનુપમ દોશી અને જનાર્દન આચાર્યએ શહેરના સાહિત્ય પ્રેમીઓ અને સર્જકોને આ સાહિત્યિક કાર્યક્રમમાં પધારવા માટે સ્નેહભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.



