સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે દાખલાથી ચાલતો ખેલ હવે ખત્મ થશે
બિન પિયતની જમીનમાં પણ તલાટીનું પ્રમાણપત્ર ધ્યાને ન લેવા સબ રજિસ્ટ્રારોને આદેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નોંધણી અર્થે રજૂ થતા વેચાણ દસ્તાવેજોમાં મિલકતની બજાર કિંમત નક્કી કરવા કેટલાક સબ રજિસ્ટ્રારો તલાટીના દાખલાનો આધાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જેના મૂળમાં તો બજાર કિંમત ઓવી અંકાય અને વેચાણ લેનાર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે તેવો ઉદ્દેશ્ય હોય છે. આથી નોંધણી સર નિરક્ષકની કચેરીએ એક પરિપત્ર મારફતે મિલકતનું આયુષ્ય નક્કી કરવા માટે તેમજ ખેતીની જમીન બિનપિયતની છે તે પ્રમાણિત કરવા માટે તલાટીઓ દ્વારા આપવામાં આવતા દાખલાઓનો આધાર ન લેવા સબ રજિસ્ટ્રારોને આદેશ આપવામાં આવ્યો છે.
વેચાણ દસ્તાવેજમાં તલાટીઓના દાખલાનો ઉપયોગ ભષ્ટ્રાચારના પોષણ અને સરકારની તિજોરીનો મોટાપાયે નુકસાનરૂપ છે. આવા અનેક કિસ્સાઓ ધ્યાને આવતા નાયબ નોંધણી સર નિરક્ષક એસ.આર.તાબિયારની સહીથી સબ રજિસ્ટ્રારોને કેટલીક સુચના આપવામાં આવી છે. જેમાં જણાવ્યુ છે કે રાજ્યના તમામ સબ રજિસ્ટ્રારોએ કોઇ પણ બાબતે તલાટીના દાખલાને આધારે દસ્તાવેજ નોંધણી કરવાની રહેતી નથી. સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવા આવા દાખલાઓનો આધાર ન લેતા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ જંત્રીના ભાવમાં ફેરફાર કરવા અંગે રાજ્યના મહેસૂલ વિભાગે 13 એપ્રિલ 2023ના ઠરાવમાં જે માર્ગદર્શન આપ્યુ છે તેનો જ ઉપયોગ કરવો.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે 13 એપ્રિલ 2023ના ઠરાવમાં મિલકત ઘસારા અંગે આખી પ્રક્રિયાન કોષ્ટક આધારે વર્ણન કરવામાં આવી છે. પરંતુ ગ્રામિણ ક્ષેત્રે બાંધકામ ધરાવતી મિલકતોનું આયુષ્ય નક્કી કરવા માટે કેટલાક અરજદારો તલાટીઓના દાખલા રજૂ કરીને મિલકતનું બજાર મૂલ્ય ઓછું આંકવા પ્રયાસ કરતા હોય છે. આ કારણે સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઓછી ભરવામાં આવતી હોય છે. જે હવે બંધ થઇ જશે. માત્ર મિલકતોનું આયુષ્ય જ નહીં, ખેતીની જમીન, બિન પિયતની હોય અને અન્ય કોઇ પુરાવા ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં પણ તલાટીના પ્રમાણપત્રને આધારે બિનપિયત ગણીને તેની સ્ટેમ્પ ડ્યુટી નક્કી થાય છે. આ પ્રેક્ટિસ ઉપર પણ પ્રતિબંધ મુકવાનો આદેશ થયો છે.



