શિક્ષણનો ઉપયોગ વતનનાં ઉત્થાનમાં ખેતીનું નવું કૌશલ્ય, નવી સફળતા
અનેક ખેડૂતોના માર્ગદર્શક બની દાડમની ખેતીમાં અન્ય લોકોને રાહ ચિંધ્યો
- Advertisement -
ખેડૂત પુત્ર શંભુભાઈએ ગ્રામોત્થાનનો માર્ગ અપનાવતા શિક્ષણ જગતે બિરદાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢની શિક્ષણભૂમિમાંથી ગ્રામસેવાની સ્નાતકની પદવી મેળવીને એક ખેડૂતપુત્રે કચ્છ જિલ્લામાં દાડમની ખેતીમાં ક્ધસલ્ટન્સી આપીને જ્વલંત સફળતા હાંસલ કરી છે. જૂનાગઢ ગિરનાર અને ગિરના સાન્નિધ્યમાં આવેલી અનેક યુનિવર્સિટીઓ, જેમ કે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટી, આજે યુવાધનને માર્ગદર્શન આપી રહી છે. આ યુનિવર્સિટીઓ અંતર્ગત આવતી દોઢસોથી વધુ કોલેજો જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ અભ્યાસ પ્રવાહોમાં વિદ્યાર્થીઓને તક પૂરી પાડે છે.
જૂનાગઢ જિલ્લો આજે પોરબંદર અને ગીર સોમનાથ નવા જિલ્લાનાં અસ્તિત્વથી પોતાની આભાને ભલે સંકોરીને બેઠો હોય પણ ગિર અને ગિરનારનાં પાવન સાંનીધ્યે આજેય માં સરસ્વતિનાં ઉપાસકો માટે જૂનાગઢમાં ચાર જેટલી યુનિવર્સીટી વિવિધ અભ્યાસોત્સુક યુવાઓને જીવન ઘડત્તરનાં પાઠ શિખવી રહી છે. કૃષિ ક્ષેત્રે સૈારાષ્ટ્રભરનાં વિવિધ 10 જેટલા સંશોધનો ક્ષેત્રોને જોડીને કૃષિ યુનિ. અભ્યાસ અને સંશોધનમાં કૃષિકારો અને આ ક્ષેત્રે અભ્યાસોત્સુક વિદ્યાર્થીઓ માટે વિદ્યાધામ બની રહ્યુ છે. તો સાયન્સ, કોમર્સ, તબીબી, આર્ટસ, ઇતિહાસ, ભાષાઓ, ગ્રામસેવા, જેવા અનેકો વિષયોમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભુમિ દ્વારકા જિલ્લાની દોઢસોથી વધુ કોલેજોમાં વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાનાં મનપસંદ રસ અને ઋચિને અનુરૂપ અભ્યાસ પ્રવાહમાં ભણવા માટે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢ અનેક તકોનું પ્રદાન કરે છે. આજે વાત કરવી છે એક એવા વિદ્યાર્થીને કે જેમણે માંગરોળ શાદાગ્રામ સ્થિત બી.આર.એસ. કોલેજમાં અભ્યાસ કરી ગ્રામસેવાની સ્નાતકની પદવી મેળવી એક ખેડુત પુત્ર તરીકે પોતાને કોલેજનાં ગુરુજનો પાસેથી મળેલ જ્ઞાનને પોતાનાં પૈતૃક કૃષિ વ્યવસાયમાં ઢાળ્યુ, આમ તો ગ્રામ વિકાસ એમનો વિષય પણ કૃષિકારનો પુત્ર હોવાનાં નાતે કૃષિ અને ગ્રામોત્થાન માટે મક્ક મનથી કાર્યારંભ કરી બી.આરએસ ની પદવી મેળવીને પગભર થવા માટે પાપા પગલી ભરી અને આજે કચ્છ જીલ્લામાં ઉચ્ચતર સિધ્ધી પ્રાપ્ત કરેલ છે.શંભુભાઇ દાડમના એક ઝાડ દીઠ નિયત ક્ધસલટન્સી ચાર્જ લ્યે છે. જેના બદલામાં ખેડૂતોનું દાડમ ઉત્પાદન અને ગુણવતા ડબલ થયેલ છે. વર્ષે આ શંભુભાઇ માતબર કમાય છે. તે સિવાય એક કંપની સાથે પણ કોન્ટ્રાક્ટ કરેલ અને તે કંપનીનું સેન્દ્રીય ખાતર, જૈવિક દવાઓ ઓજારો વગેરે વેચાણ થાય તેમાંથી પણ વાર્ષિક આવક રળે છે. બી.આર.એસ. કોલેજના પ્રાઘ્યાપક ડો. પ્રવીણ ગજેરાએ શંભુભાઈની સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે શંભુ મકવાણા એક એવું વ્યક્તિત્વ છે જે યુવાપેઢી માટે પ્રેરણારૂપ છે. ડો. ગજેરાએ કચ્છમાં હળવદના ખેડૂત મનિષભાઈ પટેલના ફાર્મ પર વિઝિટ કરાવીને દાડમનો રસાસ્વાદ પણ કરાવ્યો હોવાનું જણાવ્યું હતું. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણએ પણ શંભુ મકવાણાની કાર્યસિદ્ધિને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અનેક વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશની ભૂમિ પર વતનના વિકાસનો નાદ બુલંદ કરી રહ્યા છે. તેમણે શારદાગ્રામની તપોભૂમિને ઉજાળવા બદલ શંભુ મકવાણાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ યુવા ઉદાહરણ સાબિત કરે છે કે આજની યુવાપેઢી ધારે તો પોતાના કૌશલ્ય, આવડત અને અનુભવના આધારે કૃષિ જેવા ક્ષેત્રમાં પણ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી શકે છે.



