મેંદરડા તાલુકાના ચાંદ્રાવાળી નજીક અકસ્માત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
મેંદરડા તાલુકાના અમરાપુર અને ચાંદ્રાવાળી વચ્ચેના રોડ પર આવેલા વળાંકમાં એક કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં ફોર-વ્હીલ કાર નદીમાં ખાબકતા બે યુવાનોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે.
- Advertisement -
પ્રાપ્ત માહિતી અનુસાર, પાંચ મિત્રો ગઢાળી ગામે તેમના એક મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. લગ્ન બાદ તેઓ મેંદરડા ખાતે કપડાં વગેરેની ખરીદી કરવા માટે એક ફોર-વ્હીલ કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન, ચાંદ્રાવાડી ગામ નજીક પુલ પર વળાંકમાં કારનું સ્ટીયરિંગ ફેલ થતાં વાહન પરથી કાબૂ ગુમાવ્યો અને કાર સીધી નીચે નદીમાં જઈને પડી. આ અકસ્માતમાં માંગરોળ તાલુકાના ચંદ્રાવાડા ગામના મહિપાલ અશોકભાઈ કુબાવત અને બગસરા તાલુકાના હડાણા ગામના કિશન લખમણભાઈ કાવાણીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ત્રણ મિત્રોમાં જૂનાગઢના ધ્રુવીક પટેલ, વિમલ ધનસુખભાઈ રાણપરીયા અને જયમિક મુકેશભાઈ પ્રજાપતિને ગંભીર ઇજા થઇ હતી. ઘાયલોને તાત્કાલિક મેંદરડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ધ્રુવીક પટેલ અને વિમલ ધનસુખભાઈ રાણપરીયાને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે, જ્યારે જયમિક મુકેશભાઈ પ્રજાપતિને ઈજા થતાં તેમની સારવાર ચાલી રહી છે. લગ્નની ખુશીમાં આવેલા મિત્રોને અચાનક આવેલી આ આફતથી ગઢાળી ગામ સહિત આખા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જયાં લગ્નની તૈયારીઓ હતી ત્યાં માતમ છવાઈ ગયો છે. મેંદરડા પોલીસ સ્ટાફ દ્વારા આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અકસ્માતનાં ચોક્કસ કારણોની તપાસ ચાલુ છે.



