4 ડિસે. સુધી ફોર્મ જમા ન કરાઈ તો નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
ખાસ સઘન સુધારણા (SIR)-2025 કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ બેઠક દરમિયાન હાલ ચાલી રહેલા સઘન સુધારણા કાર્યની પ્રગતિ, ખાસ કરીને ફોર્મ કલેક્શન અને ડિઝિટાઇઝેશન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા વિસ્તારમાં સર્જાતા પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા હતાં, જેના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સુધારણા કાર્યક્રમને વધુ કાર્યક્ષમ અને સરળ બનાવવા માટે સૂચનો મેળવવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષોના બીએલઓને આ કામગીરીમાં મહત્તમ સહભાગી થવાની અપીલ કરી હતી. હાલમાં જિલ્લામાં કુલ 7,61,036 ફોર્મ, એટલે કે 58.36% ફોર્મ ડિજિટાઇઝ થઈ ગયા હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નિકુંજકુમાર ધુળા દ્વારા જણાવવામાં આવ્યું હતું. મતદારોને શક્ય તેટલું વહેલી તકે ગણતરી ફોર્મ ભરાવી જમા કરવાની વિનંતી કરવામાં આવી છે. સાથે જ, તા. 04/12/2025 સુધી ગણતરી ફોર્મ જમા ન કરવામાં આવે તો તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર થવાની શક્યતા હોવાની પણ સમજૂતી રાજકીય પક્ષોને આપવામાં આવી હતી.



