અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર સ્થાપિત થનારા ધર્મ ધ્વજાની પ્રથમ તસવીર સામે આવી છે. કેસરિયા રંગની આ પવિત્ર ધ્વજની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી છે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.
આજે પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ 191 ફૂટ ઊંચા મુખ્ય શિખર પર ધ્વજ ફરકાવ્યો છે. આ ધ્વજ અમદાવાદમાં બનાવવામાં આવ્યો છે. 11 ફૂટ પહોળો અને 22 ફૂટ લાંબો ધ્વજ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ ધ્વજ બનાવવા માટેની ડિઝાઇન રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કયા પ્રકારનો ધ્વજ બનાવવાની જરૂર છે. તે પછી 10 કારીગરોએ 25 દિવસમાં તેને પૂર્ણ કર્યું.
- Advertisement -

ધર્મ ધ્વજની ખાસિયતો
રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે ‘સૂર્ય ધ્વજ’ તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.
- Advertisement -
ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ
પહોળાઈ- 11 ફૂટ
વજન- 2.5 કિલો
રંગ- કેસરી
ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ
મટીરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક
આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે)
21 કિલોગ્રામ સોનાથી મઢેલો છે ધ્વજદંડ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના 161 ફૂટ ઊંચા ધ્વજદંડને હવે સોનાથી મઢવામાં આવ્યો છે. આ કામ માટે આશરે 21 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી મંદિરના શિખરને એક નવો દેખાવ મળ્યો હતો. આ મહત્ત્વપૂર્ણ અને જટિલ કાર્ય પૂર્ણ કરવા માટે મુંબઈના કારીગરોને ખાસ બોલાવવામાં આવ્યા હતા.
નાગર શૈલીના શિખર પર સ્થાપના
આ ધર્મ ધ્વજ પરંપરાગત ઉત્તર ભારતીય નાગર શૈલીમાં નિર્મિત મંદિરના ‘શિખર’ પર લહેરાવવામાં આવ્યો છે. આ પવિત્ર ભગવો ધ્વજ રામ રાજ્યના આદર્શોને પ્રતિબિંબિત કરતા, ગરિમા, એકતા અને સાંસ્કૃતિક નિરંતરતાનો સંદેશ આપશે.
મંદિરમાં આજે સામાન્ય શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં. જે તે મહેમાનને QR કોડની મદદથી જ એન્ટ્રી મળશે.




