સેવા સુધારવા માટે રાજકોટ મનપાનો નવતર પ્રયોગ
ફીડબેક કમિશનર સીધા પોતાના ડેશબોર્ડ પર જોઇ શકશે, જે કોન્ફિડેન્શિયલ રહેશે
- Advertisement -
પાયાની સુવિધાઓમાં પારદર્શિતા જાળવવા મનપાએ નાગરિક ફીડબેક સિસ્ટમ અમલમાં મૂકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રંગીલા રાજકોટવાસીઓને અપાતી લાઇટ, પાણી, રસ્તા સહિતની પાયાની સુવિધાઓમાં પારદર્શિતા, ઝડપ અને ગુણવત્તા સુધારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે અને નાગરિક ફીડબેક સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે અને તેના માટે મહાનગરપાલિકાના જુદા-જુદા વિભાગોમાં 1747 યુનિક ક્યુઆર કોડ સ્થાપિત કરવામાં આવ્યો છે જેથી નાગરિકો સીધા ફીડબેક આપી શકશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેમની સુવિધાનો વધુમાં વધુ લોકોને લાભ મળે અને લોકોને મળતી સુવિધામાં સુધારાની જરૂરિયાત હોય તો તે અંગે લોકો મહાનગરપાલિકાને જાણ કે ફરિયાદ કરી શકે તે માટે ક્યુઆર કોડ જાહેર કરવામાં આવ્યા છે. જેથી લોકો રસ્તા, સફાઇ, લાઇટ, પાણી, શાળા, આરોગ્ય, લાઇબ્રેરી, ડ્રેનેજ, ગાર્ડન, સિટી બસ, સાઇન બોર્ડ, દબાણો, પશુઓની સમસ્યા, પાણી સહિતની સેવા અંગે લોકો પોતાના મંતવ્યો આપી શકશે. આ સિવાય આવાસ યોજના, લાઇબ્રેરી, સિટી બસ સ્ટોપ અને તેની સફાઇ, ડ્રાઇવર અને કંડક્ટર શિસ્ત, કોમ્યુનિટી હોલ, 18 વોર્ડ ઓફિસ, 172 બગીચા, 364 આંગણવાડી, ગાંધી મ્યુઝિયમ, રામવન, 6 હાઇસ્કૂલ, 563 ટીપરવાન અંગે લોકો 1747 પર પોતાના ફીડબેક આપી શકશે.
આ સિવાય રેસકોર્સ સહિત 14 સ્પોર્ટ્સ સંકુલ, કોચની કામગીરી, સ્વચ્છતા, પાંચ સ્વિમિંગ પૂલ, ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ સેલ, પે એન્ડ પાર્ક, કોન્ટ્રાક્ટરના વર્તન, 31 આરોગ્ય કેન્દ્રમાં સુવિધા, ઝૂમાં સ્વચ્છતા, કેન્ટીન, ટિકિટ વ્યવહાર અંગે પણ હવે લોકો સીધા પોતાના પ્રતિભાવ આપી શકશે. કુલ 1747 ક્યુઆર કોડ પર વિશ્લેષણ કરી સેવા સુધારણા કરાશે. તેમજ આ દરેક ક્યુઆર કોડ સ્કેન કરી પ્રતિભાવ આપવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ લોકોને અનુરોધ કર્યો છે. આ ફીડબેક કમિશનર સીધા પોતાના ડેશબોર્ડ પર જોઇ શકશે. જે કોન્ફિડેન્શિયલ રહેશે.



