ભૂટાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પરત આવશે, ભારતીય પ્રતિનિધિમંડળ રવાના થશે
ભારત અને ભુતાન વચ્ચેના આધ્યાત્મિક સંબંધો ઈતિહાસ રચી રહ્યા છે. થિમ્પુમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું ચાલી રહેલ પ્રદર્શન 25 નવેમ્બર, 2025ના રોજ પૂર્ણ થશે. આ પવિત્ર અવશેષ પાછા લાવવા કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુના નેતૃત્વમાં એક ખાસ ભારતીય પ્રતિનિધિમંડળ આજે ભુતાન માટે રવાના થયું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી છે.
- Advertisement -
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ X પર લખ્યું કે, ‘ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પાછા લાવવા માટે ભુતાન રવાના થઈ રહ્યો છું. આ ભારત-ભુતાનના સહિયારા વારસા અને ઊંડા સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે.’ ભૂટાનની સરકારે પ્રદર્શનને એક અઠવાડિયા માટે 25 નવેમ્બર સુધી લંબાવવાની અપીલ કરી હતી. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે ભુતાનની અપીલનું સન્માન કરતા કહ્યું કે, ‘આ નિર્ણય બંને દેશો વચ્ચે આધ્યાત્મિક વિશ્વાસ, પરંપરા અને મિત્રતાના અતૂટ સબંધને વધુ મજબૂત બનાવે છે.’
ભુતાનમાં ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ
ભુતાનમાં ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ દરમિયાન યોજાયેલા આ પવિત્ર પ્રદર્શને ભૂટાનમાં આધ્યાત્મિક માહોલને નવી ઊંચાઈ આપી છે. હજારો શ્રદ્ધાળુઓએ અવશેષોના દર્શન કર્યા અને ભુતાનની સરકારે તેને લોકોની આસ્થાની ઐતિહાસિક ક્ષણ ગણાવી. આ આયોજન ભુતાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકની 70મા જન્મ દિવસ માટે પણ એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક સમર્પણ છે.
- Advertisement -
ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ ક્યાં રાખવામાં આવ્યા છે?
આ અવશેષો થિમ્પૂના તાશીચો ડઝોંગ ખાતે કુએનરે હોલમાં સ્થાપિત કરવામાં આવ્યા છે, જે ભુતાનના આધ્યાત્મિક અને વહીવટી જીવનનું કેન્દ્ર છે. ભુતાનના પ્રધાનમંત્રી દાશો ત્શેરિંગ ટોબગેએ આ અવસર પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું કે, ‘આ અવશેષો ભુતાનના લોકો માટે આશીર્વાદ છે. ભારત અને ભુતાન વચ્ચેની આ આધ્યાત્મિક ભાગીદારી આપણી મિત્રતાનું સૌથી પવિત્ર સ્વરૂપ છે.’
આ ઐતિહાસિક કાર્યક્રમને સમૃદ્ધ બનાવવા માટે ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ક્નફેડરેશન (IBC) એ ત્રણ ખાસ પ્રદર્શનોનું આયોજન કર્યું છે. જેમાં ગુરુ પદ્મસંભવ, જેમાં ભારતમાં બુદ્ધના જીવન અને પવિત્ર સ્થળોની યાત્રા, શાક્ય વારસામાં બુદ્ધ અવશેષોની શોધ અને મહત્વ તથા બુદ્ધનું જીવન અને શિક્ષા સામેલ છે. આ સાથે જ નવી દિલ્હી સ્થિત નેશનલ મ્યૂઝિયમની બૌદ્ધ ગેલેરીમાંથી દુર્લભ કલાકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શન મંગોલિયા, થાઈલેન્ડ, વિયેતનામ અને રશિયાની આધ્યાત્મિક યાત્રાની આગલી કડી છે.




