અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આર્થિક મોરચે મોટું નુકસાન થયું છે. ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર, ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આવેલા ભૂકંપ અને ખાસ કરીને બિટકોઈનના ભાવમાં થયેલા મોટા ઘટાડાને કારણે તેમની કુલ સંપત્તિ (Net Worth)માં 1.1 અબજ ડોલર (અંદાજે ₹9,165 કરોડ)નો જંગી ઘટાડો નોંધાયો છે.
ટ્રમ્પની કંપની TMTGનો શેર તળિયે
- Advertisement -
ફોર્બ્સના નવા રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પની કુલ સંપત્તિ ઘટીને 6.2 અબજ ડોલર થઈ ગઈ છે, જે સપ્ટેમ્બર મહિનામાં 7.3 અબજ ડોલર હતી. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ તેમની ટેકનોલોજી કંપની ‘ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ’ (TMTG)ના શેરમાં આવેલો ભારે કડાકો છે. આ કંપની DJT ટિકર હેઠળ વેપાર કરે છે.
કેટલો ગગડ્યો હતો સ્ટોક?
ગત શુક્રવારે બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીમાં થયેલા ભારે વેચાણના દબાણ હેઠળ TMTGનો શેર 10.18 ડોલર સુધી ગગડી ગયો હતો, જે તેનું અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર છે. છેલ્લા કેટલાક સમયથી આ શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં શેરમાં 35% અને છેલ્લા છ મહિનામાં 55%નો જંગી ઘટાડો થયો છે.
- Advertisement -
સંપત્તિમાં ઉછાળા બાદ મોટો ઘટાડો
નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025 સુધી ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. ગત વર્ષની સરખામણીમાં તેમની નેટવર્થમાં 3 અબજ ડોલરનો ઉછાળો આવ્યો હતો. આ વધારા સાથે જ તેઓ ફોર્બ્સની અમેરિકાના 400 સૌથી અમીર લોકોની યાદીમાં 201મા સ્થાને પહોંચી ગયા હતા. પરંતુ હવે અચાનક તેમની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે.
ક્રિપ્ટો રોકાણ બન્યું નુકસાનનું કારણ
રિપોર્ટ અનુસાર, ટ્રમ્પની સંપત્તિમાં થયેલો વધારો મુખ્યત્વે તેમના પરિવારના ક્રિપ્ટો રોકાણોને કારણે હતો, જેમાં ગયા વર્ષે જાહેર થયેલ બિઝનેસ ‘વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ’ પણ સામેલ છે. આ ફર્મને ક્રિપ્ટો ઉદ્યોગપતિ જસ્ટિન સન પાસેથી 75 મિલિયન ડોલરનું રોકાણ પણ મળ્યું હતું.આ કંપનીએ 100 અબજ $WLFI ટોકન બનાવ્યા હતા, જેમાંથી 22.5 અબજ ટોકન એક એવી LLCને આપવામાં આવ્યા હતા જેમાં ટ્રમ્પની લગભગ 70% હિસ્સેદારી છે. લોન્ચ સમયે આ ટોકનની કિંમત 0.31 ડોલર હતી, જે હવે ઘટીને માત્ર 0.158 ડોલર રહી ગઈ છે.
બિટકોઈનના ભાવમાં 30%નો કડાકો
જો વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની વાત કરીએ તો, 6 ઓક્ટોબરે તેની કિંમત લગભગ 1,25,000 ડોલરની ટોચે પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારથી તેમાં 30%થી વધુનો ઘટાડો થયો છે અને હાલમાં તે 86,174 ડોલર પર ટ્રેડ કરી રહી છે. માત્ર છેલ્લા એક મહિનામાં જ બિટકોઈનના ભાવમાં લગભગ 22%નો ઘટાડો જોવા મળ્યો છે, જેની સીધી અસર ટ્રમ્પના રોકાણો પર પડી છે.




