આપણે જ્યારે નિદ્રાધીન હોઈએ છીએ ત્યારે આપણું મન સુષુપ્ત અવસ્થામાં હોય છે. ત્યારે આપણે એ વાતથી અભાન હોઈએ છીએ કે હું કોણ છું, મારું નામ શું છે, હું કોનો પુત્ર છું, કોનો પતિ છું, હું ધનવાન છું કે ગરીબ છું ઈત્યાદિ. આપણે જ્યારે નીંદરમાંથી જાગીએ છીએ ત્યારે આપણને આપણી પૂરી ઓળખ યાદ આવી જાય છે કે હું કોનો પુત્ર છું, કોનો પતિ છું વગેરે વગેરે. આવું થવાનું કારણ શું? સુષુપ્તાવસ્થામાં આપણું મન ઊંઘતું હોય છે, જાગ્રતાવસ્થામાં આપણું મન જાગતું હોય છે. આપણો આત્મા તો બંને અવસ્થામાં એક સમાન રહે છે. ઊંઘતી વખતે આપણને આપણા અસ્તિત્વની સભાનતા હોતી નથી પરંતું જાગ્રત અવસ્થામાં આ સભાનતા હોય છે. અસ્તિત્વની સભાનતા એટલે જ અહંકાર. અહંકારની કૂખમાંથી આ માયાવી જગતનો ઉદ્ભવ થાય છે.
અસ્તિત્વની સભાનતા અર્થાત્ અહંકાર, અર્થાત્ આ જગતની માયા. આ બધાને નષ્ટ કરવાનો એક જ રસ્તો છે, એ છે ધ્યાન-સાધના. ધ્યાનમાં બેસતી વખતે ક્રમશ: આપણે આપણા મનને શાંત કરી શકીએ, તો મનમાં ઉદ્ભવતા વિચારોને ઓછા અથવા શૂન્ય કરી શકીએ, આપણી હયાતીને શૂન્ય કરી શકીએ તો પછી આપણા મન અને આપણા આત્માની અવસ્થા વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં. ધ્યાન સાધનાનો ખરો ઉદ્દેશ આ છે. મનને આત્મા સાથે જોડી દેવું.



