ડિજિટલ ફ્રોડથી મળેલી રકમ ટ્રાન્સફર કરવા શખ્સને 10,000 કમિશન મળ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જૂના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા 76 વર્ષીય નિવૃત્ત શિક્ષકને 20 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓ દ્વારા 1.14 કરોડ પડાવી લેવાની ફરિયાદ નોંધાતાં સાયબર ક્રાઇમ પોલીસે ખાતું ભાડે આપી 10 હજાર કમિશન મેળવનાર જેતપુરના સુજલ વિઠ્ઠલભાઈ લાખાણીની ધરપકડ કરી છે આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં ડિજિટલ એરેસ્ટથી સાયબર ગઠિયાઓ દ્વારા વૃદ્ધ પાસેથી મેળવેલ રકમ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે. હાલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
- Advertisement -
પોલીસ તપાસમાં આરોપી સુજલે સાયબર માફિયાઓને 10 હજાર રૂપિયા કમિશન મેળવી પોતાનું એકાઉન્ટ વાપરવા માટે ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ડિજિટલ ફ્રોડની રકમના 1.14 કરોડ પૈકી 4.97 લાખ રૂપિયા સુજલના એકાઉન્ટમાં જમા થયા હોવાનું સામે આવ્યું છે. તેને એ રકમ જેતપુરના જ અન્ય એક શખ્સના ખાતામાં જમા કરાવી હતી. જે હાલ નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. સુજલ કોઈ કામધંધો કરતો ન હતો અને રૂપિયા કમાવવાની લાલચમાં પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપી દીધું હતું આ ઉપરાંત ગુજરાતમાં ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં રહેતા લોકોએ પણ સાયબર માફિયાઓને મામૂલી કમિશનની લાલચમાં પોતાના એકાઉન્ટ ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું છે.



