ચૂંટણી જાહેર થાય તે પહેલાં શક્ય એટલા વધુ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને મતદારો સમક્ષ પોતાની ઉપલબ્ધિઓ રજૂ કરવાનો શાસક પક્ષનો સ્પષ્ટ ઈરાદો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતાં જ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો આખરે ’ઊંઘમાંથી ઉઠી ગયા’ હોય તેમ લાગી રહ્યું છે. ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં શહેરના મતદારોને ખુશ કરવા માટે હવે શાસક પક્ષે પેન્ડિંગ રહેલા વિકાસ કાર્યોને મંજૂરી આપવા અને અધૂરા પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા માટે અધિકારીઓને આદેશ આપી દીધા છે.
- Advertisement -
છેલ્લા ઘણા સમયથી વિવિધ સમિતિઓમાં મંજૂરીની રાહ જોતા અનેક નાના-મોટા વિકાસ પ્રકલ્પોને હવે યુદ્ધના ધોરણે મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. શહેરના માર્ગો, ડ્રેનેજ, પાણી વિતરણ અને અન્ય નાગરિક સુવિધાઓ સંબંધિત જે કામો ધીમી ગતિએ ચાલી રહ્યા હતા, તેને ફેબ્રુઆરી સુધીમાં તાત્કાલિક પૂર્ણ કરવા માટે આદેશ અપાયા છે. શહેરના જાગૃત નાગરિકો અને વિપક્ષ દ્વારા આ પગલાં પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે, “વિકાસનું કામ તો આખા પાંચ વર્ષ ચાલવું જોઈએ, પરંતુ શાસકો માત્ર ચૂંટણી આવે ત્યારે જ સક્રિય થાય છે. હવે ઉતાવળમાં થતા કામોની ગુણવત્તા કેવી હશે તે પણ એક મોટો સવાલ છે.” ચૂંટણી જાહેર થાય તે પહેલાં શક્ય એટલા વધુ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને મતદારો સમક્ષ પોતાની ઉપલબ્ધિઓ રજૂ કરવાનો શાસક પક્ષનો સ્પષ્ટ ઇરાદો જણાઈ રહ્યો છે. જો કે, ચૂંટણી નજીક આવતા શાસકોની આ ’વિકાસ દોડ’ કેટલી સફળ રહે છે અને મતદારો તેને કેવી રીતે લે છે, તે જોવું રહ્યું.



