હવાઈ સુવિધા : 334 હેક્ટરથી વધુ ખાનગી જમીન સંપાદન પ્રક્રિયા તેજ
યાત્રાધામ હવાઈમાર્ગે જોડાતા યાત્રીકોની સુવિધામાં પણ વધારો થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
યાત્રાધામ દ્વારકા એ ચાર ધામ પૈકીનું એક ધામ તથા સપ્તપુરી પૈકીની પુરી હોવાથી દર વર્ષે લાખો શ્રધ્ધાળુંઓ દર્શનાર્થે આવતાં હોય છે. યાત્રાધામ દ્વારકાને હવાઈ માર્ગે જોડવા એરપોર્ટ યા તો એરસ્ટ્રીપ મળવાની વાતો લાંબા સમયથી સંભળાયા બાદ આ વખતે દ્વારકા નજીકના વસઈ ગામની જમીન એરપોર્ટ માટે ફાઈનલ કરી લીધી હોવાનું ગાંધીનગર સ્થિત અધિકારીઓ જણાવી રહ્યા છે. દ્વારકા નજીકના વસઈ ગામની જમીન એરપોર્ટ માટે લગભગ ફાઈનલ થઈ ચૂકી છે. સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર અહીંની 300 હેકટરથી વધુ જમીન એરપોર્ટ માટે અલગ રાખવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર આ પૈકી 45 ટકા જેટલી એટલે કે આશરે 130 હેકટર જમીન હાલ સરકારી કબ્જામાં જ છે જયારે બાકી રહેતી જમીન ખેડૂતો અને ખાનગી માલીકો પાસે હોય જેને સંપાદિત કરવાની થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા આ અગાઉ પણ બે વખત દ્વારકા યાત્રાધામને એરપોર્ટની સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો કરેલ પરન્તુ સીવીલ એવીએશન વિભાગના રીપોર્ટના કારણે જે તે વખતે વાત આગળ વધી શકી ન હતી. હવે રીપોર્ટ સરકારની ફેવરમાં હોય જિલ્લા વહીવટી તંત્ર વસઈ આસપાસની બાકીની જરૂરી જમીન સંપાદનની પ્રક્રિયાઓ શરૂ કરશે અને જમીન સંપાદિત થયા બાદ એવીએશન વિભાગને તે જમીનની સોંપણી કરવામાં આવશે.
25 નવેમ્બરે વસઈ ગામે સ્થળ નિરીક્ષણ; અસરગ્રસ્ત ખેડૂતો સાથે પરામર્શ અને રેવન્યુ રેકોર્ડ ચકાસણી માટે તંત્ર સજ્જ
નાગરિક ઉડ્ડયન વિભાગ, રેવન્યુ તંત્ર, તલાટી ખાતું, સર્કલ ઓફિસ અને ઉઈંછ વિભાગના સર્વેયર હાજર રહેશે
દ્વારકા જિલ્લાના વસઈ, મેવાસા, કલ્યાણપુર અને ગઢેચી સહિતના ગામોમાંથી એરપોર્ટ નિર્માણ માટે જમીન સંપાદન પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા ઓનલાઈન પોર્ટલ પર થયેલી જમીન માંગણી પછી કુલ હેક્ટર 334 જેટલા વિસ્તારની નોંધણી કરવામાં આવી રહી છે. તેમાં અનેક સર્વે નંબરો ખાનગી માલિકીના હોવાનું રેવન્યુ રેકોર્ડમાં ચકાસણી દરમ્યાન બહાર આવ્યું છે. મદદનીશ કલેક્ટર દ્વારકા દ્વારા તા. 20 ઓગસ્ટ 2025ના હુકમ મુજબ મામલતદાર દ્વારકાને જમીન સંપાદન કામગીરી માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ કામગીરી જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનર્વસન તથા વ્યાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ-2013 તેમજ ગુજરાત નિયમો-2017 હેઠળ હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા સૂચિત સર્વે નંબરોનું સ્થળ નિરીક્ષણ, માલિકીના દસ્તાવેજોની તપાસ અને શક્ય અસરગ્રસ્ત કુટુંબો સાથે ચર્ચા કરવા 25 નવેમ્બર 2025ના રોજ સવારે 11 વાગ્યે વસઈ ગામે બેઠક યોજાશે. આ પ્રક્રિયામાં નાગરિક ઉડ્ડયન વિભાગ, રેવન્યુ તંત્ર, તલાટી ખાતું, સર્કલ ઓફિસ અને ડીલઆઇઆર વિભાગના સર્વેયર હાજર રહેશે. દ્વારકા એરપોર્ટ પ્રોજેક્ટ માટેનું આ જમીન સંપાદન રાજ્યના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યોમાંનું એક ગણાય છે. અધિકારીઓએ નિયમોના પાલન સાથે પારદર્શક રીતે વળતર અને પુનર્વસનની પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપી છે.
- Advertisement -
દ્વારકા, બેટ દ્વારકા, શિવરાજપુરમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે
દ્વારકા એ વિશ્વ પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર હોય દર વર્ષે લાખો શ્રધ્ધાળુંઓ દર્શનાર્થે આવે છે તો ભારતીય પશ્ચિમ છેવાડે આવેલ યાત્રાધામ પાસે જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શિવરાજપુરનો બ્લ્યુ ફલેગ બીચ તેમજ ઓખા બેટ દ્વારકાને જમીનમાર્ગે જોડતો સિગ્નેચર બ્રિજ (સુદર્શન સેતુ) જેવા પર્યટન સ્થળો આવેલ હોય યાત્રાળુઓ તથા દર્શનાર્થીઓનો ઘસારો દિન-પ્રતિદિન વધતો જોવા મળ્યો હોય દ્વારકાને એરપોર્ટની સુવિધા મળતાં દેશ-વિદેશના દર્શનાર્થીઓ તથા પર્યટકોને હવાઈમાર્ગે કનેકટીવીટી મળતાં વિમાનસેવાના લાભ સાથે યાત્રાળુઓની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો થશે. એક તરફ વસઈ ગામ આસપાસ એરપોર્ટની જગ્યા નકકી થયે આસપાસની જમીનોના ભાવો પણ વધશે તેમ સબંધીત ધંધાર્થીઓ માની રહ્યા છે.



