હૃદય રોગના દર્દીઓ સારવાર વિના અમદાવાદ ધકેલાયા
લોકોના પૈસાનો વ્યય: ₹10 કરોડના ખર્ચે બનેલી કાર્ડિયાક કેથ લેબ બે વર્ષથી બંધ; યુ.એન. મહેતાના ડૉક્ટરો માત્ર OPDકરી સંતોષ માને છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં હૃદય રોગના દર્દીઓ માટે અતિઆધુનિક ગણાતી કાર્ડિયાક કેથ લેબ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. સપ્ટેમ્બર 2023 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે લેબનું લોકાર્પણ કર્યું હતું, તે આજે ₹10 કરોડના જનતાના ખર્ચનો વ્યય સાબિત થઈ રહી છે.
પ્રથમ લેબ મશીનરી રિપેરિંગના વાંકે બંધ રહી, ત્યારબાદ તેને ચલાવી શકે તેવા નિષ્ણાત ડોક્ટરોનો અભાવ કારણભૂત બન્યો. તંત્રએ બાદમાં જાહેરાત કરી કે અમદાવાદની સુપ્રસિદ્ધ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ તેમની ટીમ દ્વારા અહીં કાર્ડિયાક વિભાગની સેવા આપશે. જોકે, હાલ યુ.એન. મહેતાના ડોક્ટરો માત્ર ઘઙઉ સેવા આપીને સંતોષ માને છે અને દર્દીઓને આગળની સારવાર માટે અમદાવાદ જવાની સલાહ આપી રહ્યા છે.
કેથ લેબ-કાર્ડિયોલોજી વિભાગમાં 12 ચેનલ ઈ.સી.જી., હાઈ એન્ડ ઇકોકાર્ડિયોલોજી સિસ્ટમ, 3ઉ મેપિંગ, ડિજિટલ એન્જિયોગ્રાફી લેબ, અને રેડિયોફ્રિકવન્સી એબલેશન સિસ્ટમ સહિત કરોડો રૂપિયાની આધુનિક મશીનરીઓ ઇન્સ્ટોલ છે, જે હાલ બંધ હાલતમાં હોવાથી તેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી.
- Advertisement -
તાજેતરમાં રાજ્યના આરોગ્ય કમિશનર ડો. હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં પણ ધારાસભ્યોએ આ સુવિધા ઝડપથી શરૂ કરવા સૂચનો કર્યા હતા. જોકે, બે મહિના વીતી ગયા હોવા છતાં રાજ્યના સર્વોચ્ચ આરોગ્ય કમિશનર પણ આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી, જેના કારણે સૌરાષ્ટ્રના ગરીબ દર્દીઓને ખાનગી કે અમદાવાદની હોસ્પિટલોમાં ધક્કા ખાવા પડી રહ્યા છે.



