કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે રાત્રે 8 વાગ્યે કાર્યક્રમ, પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે દીપ પ્રાગટ્ય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ક્ષેત્રોમાં મૂલ્યવાન યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ’ એનાયત કરવામાં આવશે. આજ તા. 19 નવેમ્બર, 2025 બુધવારના રોજ રાત્રે 8:00 વાગ્યે કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે આ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર નયનાબેન પેઢડીયા અધ્યક્ષસ્થાને રહીને પુરસ્કારો એનાયત કરશે. કાર્યક્રમની શરૂઆત કેબિનેટ મંત્રી તથા રાજકોટ શહેર પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે દીપ પ્રાગટ્યથી થશે.
આ પ્રસંગે સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લિલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા સહિત શહેરના અગ્રણી આગેવાનો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહેશે. તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તથા પુરસ્કાર મેળવનારા મહાનુભાવો સાથે આ કાર્યક્રમને વિશિષ્ટ ઉપસ્થિતિ મળશે. રાજકોટ શહેરની પ્રતિભા, સેવાભાવ અને સમાજને આપેલા યોગદાનને વધાવતો આ સમારોહ શહેરમાં વિશેષ આકર્ષણ બનશે.
વિવિધ ક્ષેત્રમાં મહત્વરપૂર્ણ યોગદાન આપનાર શહેરના મહાનુભાવો
- Advertisement -
સમાજ સેવક જયેશભાઈ ઉપાધ્યાય : વેદનામાંથી જન્મેલી સેવા અને કરુણામાંથી માનવતાની સંસ્થા બોલબાલા ઉભી કરી દીધી
રાજકોટના પ્રસિદ્ધ સમાજસેવક જયેશભાઈ ઉપાધ્યાયે 29 મે 1991ના રોજ માત્ર 51 રૂપિયાનું બેન્ક બેલેન્સ અને એક વેદનાસ્પર્શી ઘટનાથી પ્રેરાઈ ‘બોલબાલા ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી. શેરીમાં એક વૃદ્ધ ડોશીમાંને ‘વોકર’ જેવી સાધારણ પણ જીવન જરૂરીયાત પૂરી ન કરી શકવાની પરિસ્થિતિએ જયેશભાઈ અને તેમના મિત્રવર્તુળને માનવસેવાના માર્ગે પગલા ભરાવ્યા. માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને હૃદયમાં ધારણ કરીને તેમણે શરૂ કરેલા આ કરુણાસેતુએ આજે લાખો જીંદગીઓને સ્પર્શી છે. કોરોના મહામારીના કપરા સમય દરમિયાન બોલબાલા ટ્રસ્ટે અનોખી સેવા રજૂ કરી. પ્રથમ લહેરના લોકડાઉનમાં સતત 72 દિવસ સુધી 20 લાખ લોકોને ભોજન પૂરૂં પાડીને ‘ધ વર્લ્ડ બુક ઓફ એવોર્ડ’ પ્રાપ્ત કર્યો હતો. બીજી લહેરમાં ઓક્સિજન સિલિન્ડરની અછતમાં પણ 24 કલાક નિયંત્રિત સેવા આપતાં ટ્રસ્ટે 1500 સિલિન્ડર ખરીદી જીવદયા માટે અવિરત કાર્ય કર્યું હતું. આજે બોલબાલા ટ્રસ્ટે 2000થી વધુ એવોર્ડ હાંસલ કર્યા છે અને પર્યાવરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા, વિકલાંગ સેવા, મધ્યમવર્ગીય બહેનો માટે સ્વાવલંબન પ્રવૃત્તિઓ, ટ્રાફિક જાગૃતિ સહિત સમાજના અનેક ક્ષેત્રોમાં કાર્યરત છે. છેવાડાના માનવી સુધી ભોજન, સારવાર અને સહાય પહોંચી રહે તે ટ્રસ્ટના ધ્યેયનું કેન્દ્ર છે. જયેશભાઈ ઉપાધ્યાયનું સ્વપ્ન માત્ર ગુજરાત પુરતું નહીં પરંતુ સમગ્ર ભારત સુધી સેવા કાર્યનો વ્યાપ વધારવાનો છે. અદમ્ય હિંમત, કરુણા અને સમાજને ઉપયોગી બનવાની તત્પરતા તેમને સાચા અર્થમાં ‘સેવાનું પ્રતિક’ બનાવી દે છે.
ઉદ્યોગપતિ શિવલાલભાઈ આદ્રોજા : મહેનત અને મૂલ્યોની મદદથી એન્જલ પમ્પસ બની દેશની વિશ્વસનીય બ્રાન્ડ
ઉદ્યોગસાહસિકતા એ માત્ર નફો નથી એ હિંમત, દૃઢતા અને સર્જનાત્મકતાનો સંગમ છે. આ જ સંકલ્પને જીવનમાં ઉતારી, શિવલાલભાઈ આદ્રોજાએ 1987માં મોરબીમાંથી રાજકોટ આવી પોતાની ઉદ્યોગયાત્રાનો આરંભ કર્યો હતો. ઈજનેરી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની દૃષ્ટિથી શરૂ કરાયેલી એન્જલ મોટર્સ આજે ભારતભરમાં વિશ્વાસનું પ્રતિક બની ગઇ છે. અટિકા વિસ્તારમાં એક નાની મોટર મેન્યુફેક્ચરિંગ યુનિટથી શરૂ થયેલો આ પ્રયાસ સતત વિકસતો રહ્યો. મોટર ઉત્પાદન બાદ પંપની દુનિયામાં પગલાં મૂકી તેમણે વિશાળ પોર્ટફોલિયો ઉભો કર્યો. સમય સાથે તેમના ત્રણ પુત્રો-અશ્વિન, કિરીટ અને નરેન્દ્ર પણ આ વ્યવસાયમાં જોડાતા એન્જલ બ્રાન્ડે ગુજરાતની સીમા વટાવી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી પોતાનું જમાવટ બનાવી. 2009-10 દરમિયાન મેટોડા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ખાતે 1,00,000 ચોરસ ફૂટનું અદ્યતન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપીને એન્જલ પમ્પસને એક નવા ઉંચાણે પહોંચાડ્યું. ઉદ્યોગસફળતા સાથે સાથે શિવલાલભાઈ સમાજસેવામાં પણ જોડાયેલા છે. આરોગ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે તેઓ અનેક સંસ્થાઓમાં અવિરત સેવા આપી રહ્યા છે. તેમનો કરુણાભાવ એટલો પ્રભાવશાળી છે કે આસપાસના લોકોને પણ સેવાભાવ તરફ પ્રેરિત કરે છે. આગળ વધતા રહેવું, મૂલ્યો જાળવતા રહેવું અને સમાજને સાથે લઈને ચાલવું આ છે શિવલાલભાઈ આદ્રોજાની અસલી ઓળખ. તેઓ માત્ર ઉદ્યોગપતિ નથી, પરંતુ મૂલ્યો આધારિત નેતૃત્વનું જીવંત ઉદાહરણ છે.
પારસભાઈ મોદી: અબોલ જીવો માટે સેવા કરી કરુણાને સાચા અર્થમા જીવંત બનાવી
સમાજમાં અનેક સેવાઓ થાય છે, પરંતુ અબોલ જીવો માટે સેવા આપી કરુણાના સાચા અર્થને જીવંત કરનાર વ્યક્તિઓ દુર્લભ હોય છે. પારસભાઈ મોદી એ એવા જીવદયાપ્રેમી છે, જેઓ છેલ્લા અનેક વર્ષોથી રાજકોટ તથા આસપાસના વિસ્તારોમાં પક્ષી, પ્રાણી અને ગૌમાતાના કલ્યાણ માટે અવિરત કાર્ય કરી રહ્યા છે. તેમની સેવા માત્ર કાર્ય નથી તે ભાવ છે, કરુણા છે. દર વર્ષે જીવદયા ગ્રુપ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળની સાથે રહી શહેરની ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં દાતાઓના સહકારથી ઘાસચારો અર્પણ કરીને તેઓ ગૌમાતાના અન્નદાતા બની રહે છે. એ સાથે, એનિમલ હેલ્પલાઇન અને જીવદયા ગ્રુપ સાથે મળીને વર્ષમાં બે વાર ચકલીનાં માળા અને પક્ષી-કુંડાનું વિતરણ કરીને પર્યાવરણ સંરક્ષણમાં પણ નોંધપાત્ર યોગદાન આપે છે. મકાઈ સેવા ગ્રુપની 50 સભ્યોની ટીમ સાથે દર રવિવારે ખિસકોલી, પક્ષી, કીડીઓ, કિરીયારુ અને શ્વાનો સુધી અન્ન-પાણી પહોંચાડવાનું કાર્ય પારસભાઈના નેતૃત્વમાં સતત ચાલી રહ્યું છે. રોજ 50 રોટલી શ્વાનોને સેવા કરતી સંસ્થાઓ મારફતે અર્પણ કરવામાં આવે છે, પ્રત્યેક 14 જાન્યુઆરીએ પાંજરાપોળ, કરુણા ફાઉન્ડેશન, એનિમલ હેલ્પલાઇન, બાપાસીતારામ ગૌ સેવા મંડળ, જનસેવા ટ્રસ્ટ જેવા સંસ્થાઓ માટે અનુદાન એકત્રિત કરી જીવદયા ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરી છે. તેમની સેવાયાત્રા એ જીવદયા, કરુણા અને જવાબદારીનું પ્રેરણાદાયક ઉદાહરણ છે. અબોલ જીવોને સહારો આપવા દરેક દિવસને સેવાદિવસ બનાવી દેવું એ તેમની સાચી ઓળખ, અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે.
પર્યાવરણપ્રેમી ભરતભાઈ સુરેજા : નેચર એડવેન્ચર ક્લબના માધ્યમથી પ્રકૃતિ સંરક્ષણની અવિરત તપસ્યા
પ્રકૃતિને સાચવવી એ માત્ર ફરજ નથી તે ભાવ છે, જીવનશૈલી છે અને આગામી પેઢી માટેનું દાયિત્વ છે. આ જ ભાવને હૃદયમાં સંભાળી 1983થી ‘નેચર એન્ડ એડવેન્ચર ક્લબ, રાજકોટ’ સાથે સંકળાયેલા ભરતભાઈ સુરેજા ચાર દાયકાથી પર્યાવરણ સંરક્ષણની અવિરત યાત્રા કરી રહ્યા છે. વર્ષ 2012થી પ્રમુખ તરીકે કાર્યરત ભરતભાઈએ સંસ્થાને હરિયાળી, જાગૃતિ અને પ્રકૃતિપ્રેમનું પ્રતીક બનાવી છે. અત્યાર સુધીમાં 45 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર, 7.5 લાખથી વધુ બીજનું વિતરણ, દર વર્ષે 10 હજાર વિદ્યાર્થીઓને ઓક્સિજન પાર્કની શૈક્ષણિક મુલાકાત અને અત્યાર સુધી 6,60,000 ચકલી ઘરોનું વિતરણ આ આંકડાઓ માત્ર પ્રવૃત્તિ નથી, પણ પર્યાવરણ માટેનો અવિરત સંકલ્પ છે. ગુજરાત વન વિભાગનો પર્યાવરણીય મિત્ર એવોર્ડથી લઈને રાજ્યકક્ષાના કલાઈમેટ ચેન્જ એવોર્ડ સુધી, ભરતભાઈના માર્ગદર્શન હેઠળ ક્લબે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વર્ષમાં 20થી 25 વનસ્પતિ પરિચય કેમ્પ, પક્ષી નિરીક્ષણ શિબિર, સાત્વિક વન ભોજન, અને 42 વર્ષથી માઉન્ટ આબુ ખાતે એડવેન્ચર ટ્રેનીંગ આ બધું પર્યાવરણને જીવનના અવયવ તરીકે જીવવાની પ્રેરણા આપે છે. 100 ચો.મી. વિસ્તારમાં 64 પ્રજાતિના 333 વૃક્ષો વાવીને નાની જગ્યાએ મોટું જંગલ ઉભું કરવાનો તેમનો પ્રયાસ આદર્શ બની રહ્યો છે.
નાટ્યકાર ભરતભાઈ યાજ્ઞિક : ગુજરાતી ભાષાના એકમાત્ર ટોપ-ગ્રેડ રેડિયો નાટ્ય કલાકાર
કલા એ માત્ર અભિનય કે સર્જન નથી એ સંસ્કૃતિનું શ્વાસ છે, સમાજનું પ્રતિબિંબ છે અને ભાવનાના આલેખ છે. આવી જ કલા-યાત્રાને જીવનના દરેક શ્વાસ સાથે જીવીને, ભારતના નાટ્યક્ષેત્રને સાત દાયકાથી પણ વધુ સમય સુધી ઉજાગર કરનાર ભરત પ્રેમશંકર યાજ્ઞિક. 3 નવેમ્બર 1943ના રોજ જન્મેલા ભરતભાઈએ 1950થી નાટ્યક્ષેત્રમાં શરૂઆત કરી અને ત્યારથી આજદિન સુધી તેઓ સર્જન અને અભિનયના અનોખા પ્રતિનિધિ બની રહ્યા છે. 1962થી 2003 સુધી આકાશવાણીમાં વરિષ્ઠ ઉદ્ઘોષક તરીકે સેવા આપતાં, તેઓ ગુજરાતી ભાષાના એકમાત્ર ટોપ-ગ્રેડ રેડિયો નાટ્ય કલાકાર તરીકે ઓળખાયા, જે કલા જગત માટે અનોખું સન્માન છે. 70થી વધુ નાટકોનું નિર્માણ, નિર્દેશન અને અભિનય કરીને ભારતીય રંગમંચને અનેક યાદગાર પાત્રો અને પ્રસ્તુતિઓ આપી. દેશના વિવિધ રાજ્યોમાં તેમણે નાટ્યસંસ્કૃતિને પરિચિત કરી તથા નવી પેઢીને નાટ્યપ્રત્યે આકર્ષિત કરવા મહત્વનું યોગદાન આપ્યું. તેમણે 22 પુસ્તકોનું લેખન અને પ્રકાશન કર્યું છે, જેમાંથી 13 પુસ્તકોને વિશિષ્ટ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. તેમને 26 રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના પુરસ્કારો, ગૌરવ પુરસ્કાર, હનુમંત નટરાજ એવોર્ડ (મોરારી બાપુ), કલા સારથી એવોર્ડ, 11 આકાશવાણી વાર્ષિક પુરસ્કારો, ત્રિવેણી નાટ્ય સન્માન, દુર્ગા ધામ એવોર્ડ અને પરશુરામ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
સાહિત્યકાર ડો.લલિત ત્રિવેદી : પાંચ દાયકાથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર સર્જક
જ્યાં એક તરફ માનવજીવન બચાવવાનું તબીબી કાર્ય છે, ત્યાં બીજી તરફ માનવમનની આંતરિક હલચાલોને શબ્દોમાં ઢાળવાનું સાહિત્યસર્જન. આ બંનેને સમાન ઊર્જાથી જીવી શકાય? હા, જો તે વ્યક્તિત્વ ડો. લલિત પ્રભુલાલ ત્રિવેદી હોય. 9 ઑગસ્ટ 1947ના જન્મેલા ડો. ત્રિવેદી એ એવા સર્જક છે, જેમણે તબીબી વ્યવસાયની નિષ્ઠા સાથે સાહિત્યના આકાશમાં ગઝલ, કાવ્ય અને ભાવલહેરોનું સુંદર જગત રચ્યું છે. તેમના કાવ્યસંગ્રહો ‘પર્યંત’, ‘અંદર બહાર એકાકાર’, ‘બીજી બાજુ હજી મેં જોઈ નથી’, ‘બેઠો છું તણખલા પર’ અને ‘અવળી ગંગા તરી જવી છે’ માત્ર પુસ્તકો નથી, પરંતુ મનુષ્યના આંતરિક પ્રવાસને સમજાવતી અભિવ્યક્તિ છે. ‘અંદર બહાર એકાકાર’ તો સૌરાષ્ટ્ર યુનિના એમ.એ. અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયું, ડો. ત્રિવેદીને કવિલોક હિમાંશુ બાબુલ પારિતોષિક, પરબ શ્રેષ્ઠ કાવ્ય એવોર્ડ, ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષિક, નવનીત-સમર્પણ સન્માન, મનહરલાલ ચોકસી એવોર્ડ, દિલીપ મહેતા પારિતોષિક, કવિ દલપતરામ ચંદ્રક અને કવિશ્રી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક સહિતનાં અનેક સન્માનો મળ્યા છેે. સર્જન માત્ર લખાણ પૂરતું મર્યાદિત ન રહ્યું તેઓએ હૈદરાબાદ ખાતે 2014માં રાષ્ટ્રીય ‘સર્વ ભાષા કવિ સંમેલન’માં ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કર્યું, તેમજ 2000 અને 2010ના ‘અસ્મિતાપર્વ’માં કાવ્યપઠન કરીને સાહિત્યપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા.
સમાજ સેવિકા નેહાબેન ઠાકર : સેતુ ફાઉન્ડેશનના માધ્યમથી બાળકોને ટ્રેનીંગ આપી કરે છે પગભર
સમાજ સેવા ત્યારે સાચી ગણાય, જ્યારે સૌથી વધુ જરૂરિયાત ધરાવતા લોકોના જીવનમાં આશાનો દીવો પ્રગટે. આ જ ભાવ સાથે નેહાબેન ઠાકરે જાન્યુઆરી 2013માં ‘સેતુ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી જેને માત્ર સંસ્થા નહીં, પરંતુ ડિફરન્ટલી એબલ્ડ બાળકો માટે આત્મનિર્ભરતા તરફનો માર્ગ બનાવી દીધો. સેતુ ફાઉન્ડેશનનું મુખ્ય ધ્યેય વિશેષ બાળકોને વોકેશનલ ટ્રેઈનિંગ આપીને તેમની અંદરની શક્તિઓને ઉજાગર કરવાનું છે. હાલમાં 25 બાળકો અહીં તાલીમ લઈ રહ્યા છે. જૈન બાલાશ્રમ, રજપુતપરા ખાતે કાર્યરત આ સંસ્થા અનેક ઉપયોગી પ્રોજેક્ટ ચલાવે છે. વર્ષ દરમિયાન તેઓ ટ્રેડિશનલ રાખડીઓ, ઈકો-ફ્રેન્ડલી ગણેશજી, માટીનાં ગરબા, તોરણ, દીવા, શુભલાભ, પગલાં જેવી હોમ-ડેકોર વસ્તુઓ બનાવે છે. ી અનેક એક્ઝિબિશનમાં ભાગ લઈને આ કૃતિઓનું વેચાણ કરવામાં આવે છે, અને સૌથી મહત્વની બાબત એ છે કે તેમાંથી મળતો નફો સીધો બાળકો વચ્ચે વહેંચવામાં આવે છે, જેથી તેઓ પોતે કમાણી કરી શકે અને આત્મનિર્ભર બની શકે. નેહાબેન ઠાકરનું કાર્ય એ સાબિત કરે છે કે શારીરિક મર્યાદાઓ નહીં, પરંતુ સંવેદનશીલ સમર્થન અને યોગ્ય માર્ગદર્શન જ જીવનની સફળતાનો સાચો રસ્તો છે. દયા, ધીરજ અને દૃઢ વિશ્વાસની આધારશીલા પર ઉભેલ ‘સેતુ ફાઉન્ડેશન’ અનેક પરિવારો માટે આશાનું ઘર અને વિશેષ બાળકો માટે ઉજળા ભવિષ્યનું દ્વાર છે.
ગાંધીવાદી વિચારધારા ડો.અનામિક શાહ : શિક્ષક, સંશોધક અને સમાજચિંતક તરીકે તેમની અવિરત યાત્રા પ્રેરણાદાયક છે
એક તરફ આધુનિક વિજ્ઞાનની તર્કશક્તિ અને બીજી તરફ ગાંધીજીની વિચારધારાની સાદગી આ બન્નેનો અદભૂત સંગમ કોઈ એક જ વ્યક્તિત્વમાં જોવા મળે તો તે છે પ્રોફેસર ડો. અનામિક શાહ. વૈજ્ઞાનિક, શિક્ષક, સંશોધક અને સમાજચિંતક તરીકે તેમની અવિરત યાત્રા માત્ર પ્રેરણાદાયક જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે માર્ગદર્શિકા સમાન છે. 1977માં એમ.એસીસી. અને 1983માં પી.એચ.ડી. પૂર્ણ કર્યા બાદ 1983થી 2016 સુધી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાસાયણશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર રહ્યા. અહીં તેમણે 250થી વધુ આંતરરાષ્ટ્રીય સંશોધનપ્રબંધો પ્રકાશિત કર્યા, 20થી વધુ ફાર્મા પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા અને 70થી વધુ સંશોધક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે વડા સંચાલક તરીકે છ વર્ષ અને છ મહિના સેવા આપીને શિક્ષણમાં સ્વરાજ્ય, સ્વસહાય, શ્રમસંસ્કાર અને લોકસેવાના મૂળ્યોને પુન:પ્રસ્થાપિત કર્યા. આજે પણ તેઓ ગુજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સંસ્થાને નવી દિશા આપી રહ્યા છે. તેમના પરિવારમાં સ્વાતંત્ર્ય આંદોલન, સાહિત્ય, પત્રકારિતા અને સમાજસેવાનો સમૃદ્ધ વારસો છે જે તેમના વ્યક્તિત્વમાં પ્રતિબિંબિત થાય છે. તેમના માતા-પિતા અને વજુભાઈ શાહ જેવા ગાંધીયન નેતાઓએ જે મૂલ્યો જીવ્યા, તે મૂલ્યોને ડો. શાહે વિજ્ઞાન સાથે સુમેળમાં સફળતા પૂર્વક જોડ્યા છે. તેઓ માને છે કે વિજ્ઞાન પ્રયોગશાળાની ચાર દિવાલોમાં નહીં, પરંતુ માનવતાની સેવા માટે કાર્યરત થવું જોઈએ.
શિક્ષણ ક્ષેત્ર ગીજુભાઈ ભરાડ : 50 વર્ષમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો
શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નથી તે જીવનને દિશા આપે, સપનાઓને પાંખ આપે અને સમાજને ઉન્નતિ તરફ દોરી જાય. આવી જ શિક્ષણપ્રેરિત ઊર્જાનો પ્રકાશ ગીજુભાઈ ભરાડે છેલ્લા પાંચ દાયકાથી ફેલાવ્યો છે. ગણિત અને ભૌતિક વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ગીજુભાઈએ પોતાના જીવનની દરેક ક્ષણ યુવા પેઢીને સમર્પિત કરી દીધી છે. ગીજુભાઈએ અત્યાર સુધી દસ લાખથી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું છે, જ્યારે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે સીધી શૈક્ષણિક કામગીરી કરી છે. તેમના તાલીમ હેઠળ બારેક હજાર એન્જિનિયરો, દસેક હજાર ડોક્ટરો તેમજ હજારો સફળ પ્રતિભાઓ વિવિધ ક્ષેત્રોમાં ઉભી થઈ છે. તેમની સ્થાપિત ભરાડ વિશ્વ વિદ્યાપીઠ અને ભરાડ એન્જિનિયરિંગ અને ટેકનીકલ ઇન્સ્ટિટ્યૂટ આજે શિક્ષણનું પ્રતિક બની ચૂક્યું છે. દામ્પત્ય જીવન, વ્યક્તિગત વિકાસ, વ્યવસાય વૃદ્ધિ અને મેનેજમેન્ટ જેવા વિષયો પર તેમણે 450થી વધુ કાર્યશિબિરો અને સેમિનારો યોજીને લોકોના જીવનમાં નવી દિશા આપી છે. રેડિયો, ટિવી અને વિવિધ મંચો પર તેમણે 3,500 કરતાં વધુ પ્રવચનો આપ્યા છે, જેનાથી વિજ્ઞાન જ્ઞાન, જીવનપ્રેરણા અને વ્યક્તિત્વ વિકાસની ચેતના સમગ્ર દેશમાં ફેલાઈ છે. સ્ટેટ સાયન્સ એવોર્ડ, રામન રીસર્ચ એવોર્ડ, ઓલ ઇન્ડિયા રામાનુજ એવોર્ડ અને સીડની અને લંડનમાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા : રાષ્ટ્રપ્રેમ, પરિવારમૂલ્યો અને હાસ્યને જોડી લોકસંસ્કૃતિને વૈશ્વિક મંચ સુધી પહોંચાડી
જ્યાં માણસ જીવનની કઠિનાઈઓને હાસ્યમાં ફેરવી દે ત્યાં તે માત્ર કલાકાર નથી રહેતો, પરંતુ સમાજને આનંદ અને સંદેશ બન્ને આપતો પ્રેરક દીપક બની જાય છે. આવા તેજસ્વી વ્યક્તિત્વ ધરાવનાર મનસુખભાઈ વિઠલભાઈ વસોયા, જેઓએ આજદિન સુધી પોતાની સર્જનયાત્રાથી લોકસાહિત્ય અને હાસ્યકલાને નવી દિશા આપી છે. 6 ઓક્ટોબર 1953ના જન્મેલા મનસુખભાઈએ માત્ર ધોરણ પાંચ સુધીનો અભ્યાસ કર્યું હોવા છતા, 13 વર્ષની ઉમરેથી ખેતીમાં કાર્ય શરૂ કર્યું અને 15 વર્ષની ઉમરથી ભજન, સાહિત્ય અને હાસ્યકલા ક્ષેત્રમાં ઝુકાવ્યુ. 1982માં મેટાડોરમાં રાજકોટ-ગોંડલ નાના કાર્ય શરૂ કર્યા પરંતુ 1992થી તેમની સંસ્કારી અને સંદેશભરી લોકસાહિત્ય યાત્રાનો વિધિવત પ્રારંભ થયો. રાષ્ટ્રપ્રેમ, દિકરીપ્રેમ, ગૌસેવા, માતા-પિતાનું માન, પરિવારબંધન અને માનવતા આ બધા મૂલ્યોને હાસ્યની સરળ ભાષામાં સમાજ સુધી પહોંચાડવાનું કામ તેમણે અનોખી રીતે કર્યું. તેમની કલાએ માત્ર ગુજરાતને જ નહીં, પરંતુ અમેરિકા, મસ્કત, આફ્રિકા, યુગાન્ડા સહિત અનેક દેશોમાં ગુજરાતી સમાજને હાસ્યની ભેટ આપી છે. હાસ્યકલાકાર હોવાની સાથે તેઓ પર્યાવરણ સંરક્ષણ, જીવદયા, સામાજિક મૂલ્યો અને અસ્મિતા અંગે જાગૃતિ ફેલાવતા આવ્યા છે. ’માં-બાપનું ઘર વૃદ્ધાશ્રમ’, ’દીનદયાળ સેવા ટ્રસ્ટ’ અને ’માનવ મંદિર’ જેવી સંસ્થાએમાં સક્રિય યોગદાન માનવસેવા ભાવનાનું પ્રતિબિંબ છે.
સંગીત ક્ષેત્ર દિલીપભાઈ ત્રિવેદી : 980થી વધુ ગાયક, વાદક અને કલાકાર સાથે મળી પોતાની પ્રતિભા દર્શાવી
સંગીત એ માત્ર કલા નથી તે ભાવના, સમર્પણ અને આત્માની પ્રકૃતિ છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દિલીપકાકા તરીકે હુલામણું નામ ધરાવતા દિલીપભાઈ વસંતરાય ત્રિવેદી એવી જ સંગીતભક્તિનું જીવંત ઉદાહરણ છે. 1975થી શરૂ થયેલી તબલાયાત્રા આજે 50 વર્ષથી પણ વધુ સમયથી અવિરત ઝળહળી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નોકરી સાથે સંગીતને જીવનની શિરાઓમાં વહેતું રાખવું. 1940થી 2020 સુધીના હિન્દી ફિલ્મી ગીતોમાં તબલાવાદનની અનોખી લય અને કળા છે જે તેમને રાજકોટ અને સૌરાષ્ટ્રના અગ્રણી વાદક તરીકે સ્થાપિત કરે છે. તેઓએ માર્સ ઓફ મ્યુઝિક, રાજેશ્રી એન્ડ પાર્ટી, મેલોડી કલર્સ, મ્યુઝિકલ મેલોઝ, મ્યુઝિકલ ફ્લાવર્સ જેવા જાણીતા ઓર્કેસ્ટ્રા ગ્રુપોમાં મુખ્ય તબલાવાદક તરીકે કળા પ્રસ્તુત કરી છે. સૂર બહાર, સૂર સંસાર, સૂર મંદિર, સાઝ ઔર જેવી જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થાઓથી લઈને આજના છઉ ગ્રુપ, સરગમ ક્લબ અને ઉત્સવ ક્લબ સુધી-ફિલ્મી અને ક્લાસિકલ બંને પ્રકારના કાર્યક્રમોમાં તેમની લયકારિત્યે હજારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે. 80થી વધુ સંસ્થા અને 980થી વધુ ગાયકો, વાદકો અને કલાકારો સાથે સંગત કરી છે જે તેમની પ્રતિભાની વ્યાપકતા બતાવે છે. પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ, ‘સૌની યોજના’ લોન્ચિંગ, ‘સુશાસન સપ્તાહ’, તેમજ સ્વચ્છોત્સવની સંગીત સંધ્યા આ દરેક મંચ પર દિલીપકાકાની હાજરી એ ગૌરવનો ક્ષણ બની રહી છે.



