નક્સલી સંગઠનના ટોચના ટેક્નિકલ એક્સપર્ટનું પણ એન્કાઉન્ટર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બુધવારે સવારે આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લાના મારેડુમિલ્લી અને જી.એમ. વાલસાના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 7 નક્સલીઓ માર્યા ગયા છે. મંગળવારથી શરૂ કરાયેલા સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના ઈન્ટેલિજન્સ એડીજી મહેશ ચંદ્ર લડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી હતી કે અથડામણ દરમિયાન 4 પુરુષ અને 3 મહિલા નક્સલીઓ ઠાર થયા છે.
- Advertisement -
મૃત્યુ પામેલા નક્સલીઓમાં સંગઠનનો ટોચનો ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ (ઈંઊઉ) એક્સપર્ટ મેત્તુરુ જોગારાવ ઉર્ફે ટેક શંકર પણ હતો. તે આંધ્ર-ઓડિશા બોર્ડર સ્પેશિયલ ઝોનલ કમિટી (અઘઇજણઈ)નો એક મહત્ત્વપૂર્ણ સભ્ય હતો અને ટેક્નિકલ ઓપરેશન્સ માટે મુખ્યત્વે જવાબદાર ગણાતો હતો.
સુરક્ષા એજન્સીઓ અનુસાર, ટેક શંકર એવો કેડર હતો જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં છત્તીસગઢ અને આંધ્ર-ઓડિશા બોર્ડર(અઘઇ)વિસ્તારમાં સુરક્ષા દળો પર થયેલા લગભગ બધા મોટા લેન્ડમાઇન અને ઈંઊઉ હુમલાઓનું ડિઝાઇનિંગ અને અમલ કર્યો હતો. પોલીસના કહેવા મુજબ, તે હથિયારોનું ઉત્પાદન, સંચાર પ્રણાલી અને વિસ્ફોટક ઉપકરણોની રચનામાં નિષ્ણાત હતો. તેની આ જ વિશેષજ્ઞતાને કારણે તે સંગઠનની ‘ટેક્નિકલ કરોડરજ્જુ’ તરીકે ઓળખાતો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી, આંધ્ર-ઓડિશા બોર્ડર વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓ વધી રહી હોવાના અહેવાલો હતા. મળતી જાણકારી અનુસાર, નક્સલીઓ જંગલોની અંદર નવા ઠેકાણાઓ ઊભા કરી રહ્યા હતા, પોતાના કેડરને ફરી સક્રિય કરી રહ્યા હતા અને છત્તીસગઢ તરફથી નવા જૂથો રાજ્યની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ માહિતીના આધારે, આંધ્ર પ્રદેશ ગ્રેહાઉન્ડ્સ અને અન્ય એજન્સીઓએ મંગળવારે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનના પરિણામે, બુધવારે સવારે જી.એમ. વાલસા વિસ્તારમાં અથડામણ થઈ.
એડીજી લડ્ડાના જણાવ્યા મુજબ, તાજેતરમાં ગઝછ, કૃષ્ણા, કાકીનાડા, કોનસીમા અને એલુરુ જિલ્લાઓમાંથી 50 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા લોકોમાં કેન્દ્રીય સમિતિ, રાજ્ય સમિતિ, એરિયા કમિટી અને પ્લાટૂન ટીમના સભ્યોનો સમાવેશ થાય છે. આ એક ઐતિહાસિક ઘટના છે, કારણ કે સંગઠનના કોર કેડરને આટલા મોટા પાયે એકસાથે પકડવામાં આવ્યા હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે.



