મંત્રી બરંડાના ‘દારૂબંધી’ નિવેદને ગુજરાતમાં રાજકીય ભૂકંપ!
પોલીસ અધિકારી તરીકેના ભૂતકાળને યાદ કરતા ‘થોડું ઘણું ચલાવી લેવાની’ હિમાયત
- Advertisement -
આદિજાતી વિકાસ મંત્રી પી.સી. બરંડાનો 13 નવેમ્બરનો વિવાદાસ્પદ વીડિયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે ખુદ સરકારના જ આદિજાતી વિકાસ મંત્રી પી.સી. બરંડાના એક નિવેદને ભારે વિવાદ સર્જ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં મંત્રી પોતાના પોલીસ અધિકારી તરીકેના કાર્યકાળને યાદ કરતા દારૂબંધીમાં ઢીલ મૂકવાની હિમાયત કરતા નજરે પડે છે. તેમણે આદિવાસી સમાજમાં દારૂના સેવનને સામાન્ય ગણાવીને “થોડું ઘણું ચલાવી લેવાની” વાત કરી છે. આ નિવેદન બાદ વિપક્ષ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે અને મંત્રી પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે.
ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રી પી.સી. બરંડા, જેઓ ભૂતકાળમાં પોલીસ અધિકારી રહી ચૂક્યા છે, તેમનો 13 નવેમ્બરનો એક વીડિયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક જાહેર સભામાં સંબોધન દરમિયાન અતિ ઉત્સાહમાં આવીને મંત્રીએ દારૂબંધીની નીતિ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાના પોલીસ વિભાગના અનુભવો શેર કરતા કહ્યું હતું કે દારૂબંધી હોવા છતાં, વ્યવહારિક રીતે તેનું “થોડું ઘણું ચલણ ચલાવવું પડે છે.”
વાયરલ વીડિયોમાં મંત્રી એવું કહેતા સાંભળવા મળે છે કે આદિવાસી વિસ્તારમાં દારૂનું સેવન પરંપરાગત રીતે થતું હોય છે. એક જવાબદાર મંત્રી તરીકે રાજ્યની દારૂબંધી નીતિનો બચાવ કરવાને બદલે, તેમણે દારૂના ચલણને આડકતરો ટેકો આપ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. સરકારના જ પ્રતિનિધિ દ્વારા દારૂબંધી વિરોધી સૂર વ્યક્ત થતાં અનેક સવાલો ઉભા થયા છે.
- Advertisement -
કોંગ્રેસનો વળતો પ્રહાર: ‘હપ્તા પહોંચે છે ગાંધીનગર સુધી’
પી.સી. બરંડાના આ બફાટ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીએ સરકારને આડે હાથ લીધી છે. તુષાર ચૌધરીએ મંત્રી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, “જો મંત્રી દારૂ ચલાવી લેવાની વાત કરતા હોય, તો તેનો અર્થ એ છે કે જ્યારે તેઓ પોલીસ અધિકારી હતા ત્યારે તેમણે દારૂના ધંધાર્થીઓ પાસેથી ’હપ્તા’ લીધા હોવા જોઈએ.”
કોંગ્રેસ નેતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી જેવું વાસ્તવમાં કંઈ છે જ નહીં. રાજ્યના ખૂણેખૂણે દારૂ સરળતાથી મળી રહે છે. તુષાર ચૌધરીએ ત્યાં સુધી દાવો કર્યો કે દારૂના વેપલાના હપ્તા છેક ગાંધીનગર સુધી પહોંચે છે, અને મંત્રીનું આ નિવેદન એ વાતની સાબિતી છે કે તંત્રની રહેમનજર હેઠળ જ આ બધું ચાલી રહ્યું છે.



