પોલીસકર્મી પતિના ત્રાસથી પત્નીની આત્મહત્યા, કોન્સ્ટેબલ આરોપી ફરાર
કોન્સ્ટેબલના અમાનુષી અત્યાચાર બાદ પત્નીએ અંતિમ પગલું ભર્યું: પોલીસની અલગ અલગ ટીમ પોલીસ કર્મીને ઝડપવા સક્રિય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
માળીયા હાટીના તાલુકાના પિખોર ગામની ભાવિશાના લગ્ન પોલીસ કોન્સ્ટેબલ આશિષ લખમણભાઈ દયાતર સાથે પાંચ વર્ષ પેહલા થયા હતા અને લગ્ન જીવનમાં લફરાં બાજ પોલીસ કર્મી ભાવીશાને સતત દુ:ખ ત્રાસ અને મારઝુડ કરતો હોવાના લીધે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધા તેના પિતાએ પોલીસ ફરિયાદ તેના જમાઈ આશિષ દયાતર વિરુદ્ધ નોંધાવી હતી. અને પોલીસે પણ મૃતક ભાવિશાના મોબાઈલ ફોન કબ્જે લઈને એફએસએલમાં મોકલી કોલ રેકોર્ડની તપાસ શરુ કરી છે. એક ઓડીઓ કોલનું રેકોર્ડિંગ વાઇરલ થયું છે. તેમાં અનેક રાજ છુપાયેલ છે તેના આધારે પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી છે. આ ઓડીઓ કોલ રેકોર્ડની પુષ્ટિ ખાસ ખબર કરતુ નથી. જૂનાગઢ જિલ્લામાં પોલીસકર્મીના પત્નીએ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. મૂળ માળિયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામના વતની અને હાલ મેંદરડા પોલીસ ક્વાર્ટસમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ આશિષ લખમણભાઈ દયાતર સામે તેની પત્ની ભાવિશાબેનને મરવા માટે મજબૂર કર્યાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ દુ:ખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મૃતક ભાવિશાબેનના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરીયા (રહે. પીખોર ગામ, માળિયા હાટીના) એ ગુરુવારે માળિયા પોલીસ સ્ટેશનમાં જમાઈ આશિષ દયાતર સામે ફરિયાદ નોંધાવી છે. ભરતસિંહે ફરિયાદમાં જણાવ્યું કે, તેમની મોટી દીકરી ભાવિશાબેનના લગ્ન પોલીસમાં ફરજ બજાવતા આશિષ દયાતર સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન આશિષને અન્ય મહિલાઓ સાથે આડા સંબંધો હતા. આ સંબંધોને કારણે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જે દરમિયાન આશિષ તેની પત્ની ભાવિશાબેનને માર મારતો અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. પતિના આ ત્રાસથી કંટાળી જઈને ભાવિશાબેને ત્રણ મહિના અગાઉ એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે સમયે પરિવારે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. આ પછી, દીકરી ભાવિશાબેન 10 દિવસ પહેલા પિયર પીખોર ગામે આવ્યા હતા અને ગત તારીખ 11 નવેમ્બરના રોજ ગળાફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. પિતા ભરતસિંહ બાબરીયાએ જમાઈ આશિષ લખમણભાઈ દયાતરે તેમની દીકરીને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા, ચોરવાડના પીઆઈ એસ. આઈ. મંધરાએ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. ફરિયાદ નોંધાતાની સાથે જ આરોપી પોલીસ કોન્સ્ટેબલ આશિષ લખમણભાઈ દયાતર ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. તેને ઝડપી પાડવા માટે પોલીસ વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે. માળિયા હાટીના તેમજ ચોરવાડ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આરોપીની શોધખોળ માટે સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીનું મોબાઈલ લોકેશન, કોલ ડિટેલ રેકોર્ડ અને અન્ય ટેકનિકલ સોર્સીસનો ઉપયોગ કરીને તેના છૂપાવાના સંભવિત સ્થળો અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. એસ.આઈ. મંધરા, પીઆઈ આ સમગ્ર ઓપરેશનની દેખરેખ રાખી રહ્યા છે અને ટૂંક સમયમાં આરોપી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવશે તેવી શક્યતા છે.



